સાચવજો@ગુજરાત: તમારી આસપાસ કોઈ વિદેશથી આવ્યુ હોય તો ચેતી જજો, ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ

 
Rajkot Civil Hospital

અટલ સમાચાર, ડેસ્ક

ડિસેમ્બરમાં અનેક વિદેશીઓ વતન પરત ફર્યા છે. આવામાં ફરી કોરોના ફેલાઈ રહ્યો છે. રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. વોર્ડ નંબર સાતમાં આવેલા જાગનાથ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. અને સતર્કતાના પગલા લેવાની શરૂઆત કરાઈ છે. 

રાજકોટ-કોવિડની એલર્ટની સંભાવનાના પગલે સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. 100 પૈકી 64 આઇસીયુ બેડ અને બાકીના ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. ઓક્સિજન અને દવાનો જથ્થાની સમીક્ષા કરાઇ હતી. તબીબ, નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જોકે, હાલમાં સિવીલ હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી.

વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટ કોર્પોરેશને કોવિશિલ્ડ રસીની માંગણી કરી છે. રાજકોટમાં કો-વેક્સિનની જગ્યાએ, કોવિશિલ્ડ વેક્સીનનો વધુ ઉપયોગ કરાયો છે. લાખો લોકોના પ્રિકોશન ડોઝ હજી બાકી છે. હાલ રાજકોટ કોર્પોરેશન પાસે કોવિશિલ્ડનો જથ્થો નથી. રાજકોટ પ્રિકોશન ડોઝની કામગીરી 23 ટકા પૂર્ણ થઈ છે. 9 લાખ કરતા વધુ લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી છે.