કવાયત@ગુજરાત: કોરોનાના ફફડાટ વચ્ચે આ શહેરમાં હોસ્પિટલ બેડ-ઓક્સિજન પ્લાન્ટ તૈયાર

અટલ સમાચાર, ડેસ્ક
ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું.
વિદેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે SSG અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાં સ્થાપેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તૈયારી કરાઈ છે. શહેરમાં 34 સ્થળોએ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
વડોદરામાં વિદેશથી આવેલ મહિલા BF 7 વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 61 વર્ષીય NRI મહિલા ભારતીબેન સુથાર ગત 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી વડોદરા આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. વડોદરાના સુભાનપુરામાં રહેતા ભારતીબેન સુથારે હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નથી. તેઓનું સેમ્પલ ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં BF.7 વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું હતું.