કવાયત@અમદાવાદ: શિક્ષકોનો નવો અભિગમ, નબળા વિદ્યાર્થીઓને હોશિયાર કરવા સિસ્ટમમાં કર્યો આ મોટો ફેરફાર

 
School

અટલ સમાચાર, ડેસ્ક 

 

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલોના શિક્ષકો દ્વારા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને લઇ નવી પહેલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકો નબળા વિદ્યાર્થીને 1 કલાક વધારે શિક્ષણ આપીને બાળકોને હોંશિયાર બનાવવાનો પ્રયાસ કરશે. આ માટે તમામ સ્કૂલોને પરિપત્ર મોકલી 1 કલાક વધુ અભ્યાસ કરાવવાની યોજનાનો અમલ કરાવવા સૂચના આપી છે. જેમાં નબળા વિદ્યાર્થીઓને શોધીને વધુ એક કલાક અભ્યાસ કરાવવા સૂચના આપવામાં આવી છે. 

સરકારી સ્કૂલોના બાળકો પર એક સર્વે કરાયો હતો. આ સર્વેમાં 22થી 25 ટકા બાળકો વાંચન, લેખન અને ગણનામાં નબળા જોવા મળ્યા હતા. આ બાળકોને કડકડાટ વાંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ માટે શિક્ષકો, આચાર્યો અને સુપરવાઇઝરને નવી પદ્ધતિમાં સામેલ કરાયા છે. હવેથી નબળા વિદ્યાર્થીઓને સામાન્ય બાળકની સમકક્ષ લાવવા માટે સ્કૂલો એક કલાક વધુ સમય અભ્યાસ કરાવશે.

નબળા વિદ્યાર્થીઓને શોધીને એક કલાક વધુ ભણાવવામાં આવશે. નબળા વિદ્યાર્થીઓને સવારની પાળીની શાળા છૂટ્યા બાદ અને બપોરની પાળી શરૂ થયા પહેલાં એક કલાક વધુ ભણાવવામાં આવશે. વાંચન, ગણન અને લેખનમાં જે વિદ્યાર્થીઓ નબળા છે તેઓને ત્રણથી ચાર મહિનામાં સામાન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ લવાશે. આ વિદ્યાર્થીઓનો દર અઠવાડિયે રિપોર્ટ પણ તૈયાર કરાશે. સાથે જ અત્યારે મ્યુનિસિપલ સ્કૂલોમાં 15 ટકા જેટલા બાળકો અનિયમિત છે. જેથી આ બાળકોને 18 ફેબ્રુઆરી સુધીમાં નિયમિત કરવામાં આવશે. આ માટે શિક્ષકો બાળકોના વાલીને મળીને બાળકના અભ્યાસનું મહત્ત્વ સમજાવશે.