બોરસદઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીને ચાલકે પોતાની ટ્રક ભગાવી કોન્ટેબલને કચડી હત્યા કરી

એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
 
બોરસદ

અટલ સમાચાર, ડેસ્ક


હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્ટબલે ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જોકે ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતાં પોલીસકર્મીએ પીછો કર્યો હતો, જેમાં ટ્રકને ઓવરટેક કરી એને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ટ્રક પોલીસકર્મી પર ચડાવી દીધી હતી. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસબેડામાં ગમગીની વ્યાપી છે. પરિવારના કલ્પાંતે ગામમાં પણ શોકમગ્ન વાતાવરણ નિર્માણ કર્યું છે.

બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.

આ અંગે આણંદ પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણએ જણાવ્યું હતું કે,પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ફરિયાદ બાદ પોલીસે ટ્રાનસ્પોર્ટ માલિકને હાજર થવા જણાવતા ટ્રાનસ્પોર્ટ માલિક દ્વારા ટક્કર મારી ફરાર થયેલા ટ્રક ચાલક બોરસદ પોલીસ સ્ટેશન હાજર કરાયો છે. જેની સામે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્ત્વનું છે કે કિરણસિંહ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત હતા. તેમને પરિવારમાં બે સંતાન છે, જ્યારે ચાર વર્ષ અગાઉ જ તેમનાં પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ, બે સંતાનની જવાબદારી તેમના પર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાને માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ભારે શોકમય બની ગયો છે.

હરિયાણાના નૂહ જિલ્લામાં મંગળવારે ખાણ-માફિયાઓએ DSPને ડમ્પર નીચે કચડી નાખ્યા હતા. DSP સુરેન્દ્ર સિંહ અહીં દરોડા પાડવા માટે ગયા હતા. તેમનું ઘટનાસ્થળે દુઃખદ અવસાન થયું હતું. આ ઘટના બન્યાના 4 કલાક બાદ પોલીસે આરોપીઓની તપાસ કરી અનેક ગામોને ઘેરી લીધાં હતાં અને તાવડ વિસ્તારના પંચગાવમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં ડમ્પરના ક્લિનર ઈકરારના પગમાં ગોળી લાગતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.