આગાહી@ગુજરાત: રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ ? જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો, ફરી એકવાર ઠંડી ચમકારો અનુભવાશે. 24 કલાક પછી ફરી એકવાર ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશામાં ફેરફાર થવાના કારણે ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, હવામાન અંગે આગાહી કરતા નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરી છે. આ સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યમાં હાલ 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, હવામાન વિભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના સાથે કમોસમી વરસાદની સંભાવના ના હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી કલાકોમાં તાપમાનમાં સામાન્ય ઉતાર-ચઢાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફરક આવશે નહીં. આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જ્યારે કેટલાક સ્થળો પર વધારો પણ થઈ શકે છે. પરંતુ 24 કલાક પછી સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે." આ સાથે તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા નથી.