ટકોરઃ ડેરીના ચેરમેન પશુપાલક હોય અને તેમની પાસે 100-200 ગાયો હોય તેવો નિયમ બનાવવો પડશે-પાટીલ
patil

અટલ સમાચાર, ડેસ્ક


છેલ્લા 1 વર્ષમાં દૂધસાગર ડેરીએ કરેલી પ્રગતિ અને પશુપાલકોને આપેલા વળતર બદલ ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો સન્માન સમારોહ વિસનગરમાં યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સંબોધન દરમિયાન એક ટકોર કરી હતી. તેમણે પશુપાલકોને કહ્યું કે, મારો પોતાનો તબેલો હતો, જેમાં ગાયો-ભેંસોનું પાલન કરતો હતો. એટલે મને ખબર છે કે પશુપાલકો પોતાના પશુઓનું કેટલું ધ્યાન રાખે છે. પશુપાલકોની સ્થિતિ સુધારવા માટે ડેરીના ચેરમેન પણ પશુપાલક હોય અને તેમની પાસે 100-200 ગાયો હોય તેવો નિયમ બનાવવો પડશે તેવી હળવી ટકોર તેમણે કરી હતી. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ઘરે 5 જ ગાયો છે, એટલે ભાજપ અધ્યક્ષે તેમને અનુલક્ષીને હળવા અંદાજમાં આ ટકોર કરી હતી. 

ભાજપ અધ્યક્ષે પોતાના સંબોધનમાં કહ્યું કે, પીએમ મોદી ગત સપ્તાહે બનાસકાંઠા આવ્યા હતા અને પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. તમામ બહેનોએ પીએમ મોદીની યોજનાઓના લાભ માટે આભાર માન્યો હતો. પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓનો કેવો વિકાસ થયો તે અંગે પણ સીઆર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. તો દૂધસાગર ડેરીએ 1 વર્ષમાં 1 હજાર કરોડનું ટર્ન ઓવર કર્યું છે અને 238 કરોડની લોન પણ ચૂકવી છે. પશુપાલકોને નુકસાન ન થાય તેનું ડેરીના સંચાલકો ધ્યાન રાખી રહ્યા છે અને દિવાળી પહેલા પશુપાલકોને મોટો લાભ પણ ડેરી આપવા જઈ રહી છે તેવો દાવો ભાજપ અધ્યક્ષે કર્યો હતો. તેમણે પીએમ મોદીના નિવેદનને યાદ કરી કહ્યું કે, જો ઉત્તર ગુજરાતમાં પશુપાલકો દુધ ન ભરાવે તો સવારે દિલ્હીવાળાને ચા ન મળે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું નામ લીધા વગર ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભૂતકાળમાં ચેરમેન પોતાના રાજકીય લાભ માટે બહાર માલ મોકલી દેતા હતા અને ખોટા ચેકના કૌભાંડ કરતા હતા. પણ હવે અશોક ચૌધરી અને તેમની ટીમ પશુપાલકો માટે કામ કરે છે અને તેની અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. 

એકતરફ વિપુલ ચૌધરી સમગ્ર મહેસાણામાં ચૌધરી સમાજના નામે સંમેલન કરી રહ્યા છે, ત્યારે તેમનું નામ લીધા વગર જ ભાજપ અધ્યક્ષે ચૌધરી સમાજના આગેવાનોને કહ્યું કે, કોઈની વાતોમાં ભરમાવાની જરૂર નથી અને ડેરીના વર્તમાન શાસકોમાં ભરોસો રાખો તમને લાભ થશે અને કઈં ઘટશે તો હું બેઠો છું. મને પણ આ લોકોએ આગામી કાર્યક્રમનું અત્યારથી જ આમંત્રણ આપ્યું છે.