કાર્યવાહી@સુરત: સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ વિજિલન્સની ટીમે સચિન જીઆઇડીસી વિસ્તારમાં દરોડા પાડી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. જ્યાંથી પોલીસે એક મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરી છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક પોલીસની લાલિયા વાડી ઉઘાડી પડી છે.

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ વી.એન.ચૌધરીની ટીમ દ્વારા સચીન જી.આઇ.ડી.સી. પોલીસ મથકની હદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દીપલી ગામ ખાડી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓને ઝડપી પાડવામાં આવી હતી. દરોડા ની કામગીરી દરમિયાન પોલીસે 2000 લીટર દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ આ દારૂની બધી ચલાવનાર મહિલા ધર્મિષ્ઠા પટેલ અને તેમના પતિ ભુપેન્દ્ર પટેલ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી અને શકુંતલા પટેલ નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. તમામની ઘરપકડ સાથે પોલીસે સ્થળ પરથી એક મોટરસાયકલ, પાંચ મોબાઈલ ફોન, અને રોકડા રૂપિયા મળી 1,57,170 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા શહેરમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અને પોલીસના નાક નીચે આ પ્રકારે દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમી રહી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી હતી અને દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ફરી એક વખત લઠ્ઠા કાંડ જેવી સ્થિતિ ઊભી થાય તે પ્રમાણે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગતા ગુજરાત સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે.