ચકચાર@રાજકોટ: નર્સિંગ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગર્ભપાતની ગોળી ખાતા તબિયત લથડી, જાણો પછી શું થયું ?

 
Rajkot Civil Hospital

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આપ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી એક નર્સિંગ હોસ્ટેલમાં બે દિવસ પૂર્વે જ પ્રવેશ લેનારી વિદ્યાર્થીની ચર્ચાનું કેન્દ્ર બની છે. મૂળ દાહોદ પંથકની વિદ્યાર્થીનીએ નર્સિંગ હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યાના બે દિવસમાં જ તેની તબિયત લથડી જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનીએ એક ગર્ભપાતની ગોળી પી લેતા તેની તબિયત લથડી હતી. જેના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થીની કુંવારી હોય તેમજ તે ગર્ભવતી હોવાના કારણે ફરજ પર હાજર રહેલા તબીબે સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા સમગ્ર મામલાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિદ્યાર્થીનીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો મુજબ વિદ્યાર્થીનીની ઉંમર માત્ર 18 વર્ષની હોવાનું સામે આવ્યું છે. યુવતીએ સવારે નર્સિંગ હોસ્ટેલ ખાતે ગર્ભપાતની ગોળી ખાધી હતી. આ દરમિયાન ગોળી ખાધાની સાથે જ તેની તબિયત લથડી હતી. જેના કારણે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. પોલીસે જ્યારે યુવતીને સમગ્ર બનાવા અંગે પૂછપરછ કરી ત્યારે યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, પોતાના વતનમાં બોયફ્રેન્ડ હોવા થકી આમ બન્યું છે. તેમજ સમગ્ર મામલે તેણે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ ન કરવી હોવાનો પણ જણાવ્યું હતું. તેમજ સગાઈની વાત પણ ચાલુ હોવાનું યુવતીએ પોલીસને જણાવ્યું હતું.