રિપોર્ટ@વડગામ: બેફામ વૃક્ષો કાપી રોકડી કરવાની સુનિયોજિત ગોઠવણ, 4 કચેરીવાળાની ભૂમિકા જુઓ

 
Vadgam

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

વડગામ છાપી વિસ્તારના જાહેર માર્ગો ઉપર ધોળા દિવસે કપાયેલા વૃક્ષો ભરીને દોડતાં ટ્રેક્ટરો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. રોજેરોજ અનેક સંખ્યામાં ભારેખમ વૃક્ષોથી હકડેઠઠ ભરેલી ટ્રોલી લઈને જતાં ટ્રેક્ટરોની ગતિવિધિ ચોંકાવનારી મળી છે. વૃક્ષ છેદનની જોગવાઈને સાઈડમાં મૂકી આડેધડ ખોદકામ કરી લીમડા અને બાવળોની ઉઠાંતરી થઈ રહી છે. આ બાબતે ઉંડાણપૂર્વક જતાં ધ્યાને આવ્યું કે, ગ્રામ પંચાયત કે મામલતદારની પૂર્વ મંજૂરી વગર એક સુનિયોજિત ગોઠવણ રચી એકબીજાના લાભાર્થે મોટો ધંધો રળી રહ્યા છે. જાહેરમાં વૃક્ષ કટિંગ થાય, જાહેરમાં પરિવહન થાય અને જાહેરમાં વૃક્ષોને નક્કી સ્થળે મોકલી દેવામાં આવે છતાં કોઈ પૂછપરછ નથી કે કોઈ રોકટોક નથી. એક નહિ પરંતુ ચાર ચાર કચેરીવાળાની હાજરી છતાં આ ગતિવિધિમાં ગેરહાજરી છે. સમજીએ આખો રિપોર્ટ.

Vadgam

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વડગામ અને છાપી વિસ્તારમાં મોટા પ્રમાણમાં લાકડાં સંબંધિત પ્રવૃત્તિઓ ચાલુ છે. આ માટે કાચો માલ મેળવવા/અપાવવા સંગઠિત ગોઠવણ ઉભી કરવામાં આવી છે. જાહેર હરાજીથી સરકારી વૃક્ષો અપૂરતાં મળતાં હોઈ આ સંગઠિત ટોળકીએ લીમડા અને બાવળો ઉપર ડોળો કરેલો છે. અનેક વૃક્ષો એવા છે કે, જેના માટે વનવિભાગ જવાની જરૂર નથી પરંતુ સરકારશ્રીની જોગવાઈ મુજબ સ્થાનિક ગ્રામ પંચાયત કે મામલતદારની પૂર્વ મંજૂરી આવશ્યક છે. આ જોગવાઈ હોવા છતાં બેફામ ધોળાં દિવસે હજારો વૃક્ષો મૂળમાંથી કાપી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. છાપી વડગામ વિસ્તારમાં દૈનિક 70થી વધુ ટ્રેક્ટરો મંજૂરી વગરના વૃક્ષો કાપી ટ્રોલીમાં ભરી જાય છે. હવે જુઓ, સ્થાનિક ગ્રામ પંચાયત, ફોરેસ્ટના બીટ ગાર્ડ, મામલતદાર કચેરીના સંબંધિત કર્મચારી, સ્થાનિક પોલીસ સ્ટેશનના બીટ જમાદાર અને રસ્તા પરના આરટીઓ સહિતનાં અનેક સત્તાઓ કેમ બિન અધિકૃત ગતિવિધિ અટકાવી શકતી નથી એ સૌથી મોટો સવાલ છે.

વડગામ અને છાપી વિસ્તારમાં થતી લાકડાં સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પૈકી અનેક લોકો પરમિશન વગર લીલા લાકડાનું નિકંદન કાઢી રહ્યા છે. સો મીલ માલિકો સામે કાર્યવાહી કરવામાં ચાર કચેરીના અધિકારીઓ આંખ કાન કરતાં હોવાનું હવે ઠેર ઠેર લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. વધુમાં લીલા લાકડાં ભરીને દોડતાં ટ્રેક્ટરો નંબર પ્લેટ વગરના હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ જાહેર માર્ગ ઉપર બેફામ ટ્રેક્ટર ચલાવતા ચાલક કોઈ અન્ય વાહન ચાલકને અકસ્માત કરે અથવા એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ કેમ આરટીઓ અધિકારી દ્વારા આ નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શું આરટીઓ અધિકારી અને જિલ્લા ટ્રાફિક અધિકારી નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરોને કારણે કોઈ અન્ય વાહનને નુકસાન થાય તેની રાહ જોઈને બેઠા છે તેવી અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે વડગામ મામલતદાર વન વિભાગ અને બનાસકાંઠા આરટીઓ અધિકારી દ્વારા આ બેફામ રીતે નંબર પ્લેટ વગરના સાધનો અને પરમિશન વગરના વૃક્ષોનું નિકંદન કાઢતા સોમીલ માલિકો સામે ક્યારે કાર્યવાહી કરશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..