દુ:ખદ@ગુજરાત: હવે અહી રખડતા ઢોરની અડફેટે કારમાં સવાર યુવક ઘવાયો, સારવાર દરમ્યાન મોત

 
Bhavnagar

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સતત વધતાં જતાં રખડતાં પશુઓના ત્રાસને કારણે આજે વધુ એક યુવકનું મોત થયું છે. ભાવનગરનાં ત્રાપજ બંગલા પાસે રહેતા રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન આખલો ચઢી આવતા અકસ્માત સર્જાયો હતો. યુવાન આખલાની અડફેટથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ યુવકને સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે તેમનું મોત થયું હતું. આ ગોઝારા બનાવને કારણે યુવાનનાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સ્થાનિક પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરનાં એક્સપ્રેસ વેનાં રસ્તા પર રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઇને જઇ રહ્યા હતા. જ્યાં મોડી રાતે આંખલાએ કારને અડફેટે લીધો હતો. જે બાદ કાર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ભાવનગરમાં રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. જેમાં રખડતા ઢોર ને લીધે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નિપજ્યું છે. શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા આધેડનું મોત નિપજ્યું હતુ. આ ઘટનામાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના આધેડનું મોત નિપજ્યું હતુ. તેઓ ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે ઉડાડતા મોત નિપજ્યું હતુ.