રાજકારણ@ગુજરાત: આમ આદમી પાર્ટી તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે, જાણો કોણે આપ્યું નિવેદન ?

 
AAP

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં AAP લોકસભા ચૂંટણી માટે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે. પાર્ટી તેના રાજ્ય સંગઠનમાં પણ મોટો ફેરબદલ કરશે.ચૂંટણી હારી ગયેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને AAPના CM ચહેરા બનેલા ઈશુદાન ગઢવીને નવી જવાબદારી મળી શકે છે.

દિલ્હીમાં પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળવા આવેલા 5 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, તેમની પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની 40 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે સારું પ્રદર્શન કર્યું હતું અને બીજા ક્રમે રહ્યા હતા. પાર્ટીએ નવા રાજકારણ અને નવા સંગઠન સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

આ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠકમાં પાર્ટીની ઉપલબ્ધિઓ અને પરાજયની સમીક્ષા કરવામાં આવી છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને લોક સેવામાં લાગેલા રહેવાની સલાહ આપી છે. લોકસભા ચૂંટણી લડતા પહેલા AAP ઝોન વાર જનરલ સેક્રેટરી ઉપપ્રમુખની નિમણૂક કરશે. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રભારી સંદીપ પાઠકને પાર્ટી દ્વારા પહેલા જ રાષ્ટ્રીય સંગઠન મહાસચિવનું પદ સોંપવામાં આવ્યું છે. પાંચ ધારાસભ્યો જીત્યા બાદ પાર્ટીએ લોકસભાની જવાબદારી તેમના ખભા પર નાખી દીધી છે.