ચુકાદો@દિયોદર: 2019માં માતા-પત્નિ અને પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરનાર આરોપીને ફાંસી

 
Diodar Court

અટલ સમાચાર,પાલનપુર 

દિયોદરની એડીશનલ સેસન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભાળાવતા હત્યાના આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વિગતો મુજબ આરોપીએ 2019માં કુહાડીના ઘા મારીને માતા-પત્ની અને પુત્રની હત્યા કરી હતી. છેલ્લા ચાર વર્ષથી આ હત્યાનો કેસ બનાસકાંઠાની દિયોદર એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. 

બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકના લાખણી તાલુકાના ભાકડીયા ગામે ચારેક વર્ષ પહેલા હત્યાની ઘટના સામે આવી હતી. વિગતો મુજબ ભીખાજી તખાજી ઠાકોર પરીવાર રહેતા હતા. આરોપી ભીખાજી ઠાકોર પાસે કોઈ કામ ધંધો ન હોઇ માતાએ તેને કઈ કામ ધંધો કરવા કહેતા મામલો બીચક્યો હતો. જોકે આ સામાન્ય વાતને લઈ આરોપીએ માતા, પત્નિ અને પુત્રની પણ કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચારેક વર્ષથી દિયોદર એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલતા કેસ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. જે કેસનો આજે ચૂકાદો આપતા કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં મજબુત દલીલો કર્યા બાદ દિયોદર એડીશનલ કોર્ટે કલમ 302ના ગુન્હામાં આરોપી ભીખાજીને ફાંસીની સજા ફટકારી છે.