આગાહીઃ ગુજરાતમાં 24 કલાક બાદ વરસાદનું જોર વધશે કે ઘટશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
 
 
આગાહી

અટલ સમાચાર, ડેસ્ક


રાજ્યમાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે. જ્યારે વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે 22 તારીખથી ફરી વરસાદનું જોર વધશે.
હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 21મી તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. પરંતુ 22મી તારીખથી વરસાદની એક્ટિવિટી વધવાની સંભાવના છે. 22મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

નર્મદા ડેમથી 12 કિમિ દૂર ગરુડેશ્વર ગામ પાસે બનાવવામાં આવેલો વિયર ડેમ હાલ છલોછલ ભરાઇ ગયો છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે. જે ઘાટ પર નર્મદા આરતી પણ થતી હતી. હાલ આ ઘાટ પણ પાણીની આવકને કારણે ડૂબી ગયો છે. સરદાર સરોવર નર્મદા બંધના 23 ગેટ ખોલી હાલ 5.62 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેમાં ગોરા ઘાટ પણ ડૂબી ગયો છે. ત્યારે ગરુડેશ્વર ખાતે બનાવવામાં આવેલા વિયર ડેમ કમ કોઝવે 5 મીટરથી વધુ સપાટીએ પહોંચતા હાલ 5 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, આ નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી આરતી નર્મદા ઘાટે રોજ કરવામાં આવે છે. જે જોવા અને ત્યાં આવેલા મહાદેવના મંદિરે પ્રવાસીઓ આવી રહ્યાં છે.

ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ગુરુવારે સવારે નવ વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે. સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.