વાતાવરણ@ગુજરાત: માવઠા બાદ ફરી પડશે કડકડતી ઠંડી, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

અટલ સમાચાર, ડેસ્ક
આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાયા છે. આજે રાજ્યના વાતાવરણ પલટો રહેશે. સાથે જ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં માવઠાના માર બાદ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે. 30 જાન્યુઆરીથી 3થી 4 ડીગ્રી તાપમાન ઘટશે. ભાવનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આજે બોટાદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે. એકથી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ સાંજે વરસાદ રહેશે. જ્યારે આવતીકાલે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આણંદમાં વહેલી સવારથી જ વરસાદી માવઠું થતાં ખેડૂતો પરેશાન છે. ડિઝાસ્ટર વિભાગની માહિતી અનુસાર જિલ્લામાં અતિ સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં બોરસદ તાલુકામાં 1 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે આણંદ જિલ્લાના ધરતીપુત્રને નુકશાન થયું છે. ખેડૂતોના ઉભો પાક ઘઉં, રાયડો, ચણા સહિત શાકભાજીને ઘણું નુકસાન થતાં ખેડૂતોને પડ્યા પર પાટું છે.