ચોમાસુઃ અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ તારીખથી ગુજરાતમા ફરીથી વરસાદ શરૂ થશે

અટલ સમાચાર, ડેસ્ક
રાજયમાં ચોમાસાની સિઝનનો 100.85 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ થયો છે. અનેક જળાશયો છલકાયા છે. ખેતરોમાં કૂવાઓ પણ પાણીથી ભરાઈ ગયા છે. સારા વરસાદને પગલે જળ સ્તરો પણ ઊંચા આવી ગયા છે. અંદાજ પ્રમાણે સારા વરસાદથી આ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા નહીં રહે. જોકે, વરસાદનો રાઉન્ડ હજુ પૂર્ણ નથી થયો. રાજ્યમાં પાછોતરો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં આગામી પાંચ સામાન્ય વરસાદ રહેશે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 30 અને 31 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી રહેશે. ઓગસ્ટના અંતમાં ઉત્તર-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે. મહેસાણા, સમી, હારીજ, બેચરાજી, પંચમહાલના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દરમિયાન જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે પડશે.
અંબાલાલે વધુમા જણાવ્યુ કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજનું પ્રમાણ આવશે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. આ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદની શક્યતાઓ છે. 30 ઓગસ્ટથી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની સંભવના છે. આઠથી 11 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.