ઠુંઠવાયા@ગુજરાત: ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, અહીં તો સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન, જાણો તમારા શહેરમાં કેવી છે ઠંડી ?

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. સૂસવાટા મારતાં પવન સાથે ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેગાસીટીમાં લોકો ઠૂઠવાયા હતા અને સાંજ ઢળતા અવરજવરમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો.
રાજ્યમાં નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલું જ નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે. આ સિવાય ભુજમાં લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ કંડલામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસામાં 10.2, ગાંધીનગરમાં 26 ડિગ્રી સેલ્સિયસ, વલ્લભ વિદ્યાનગરમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં સાપેક્ષમાં થોડી ઠંડી ઓછી નોંધાઈ હતી. જો કે સરેરાશ તાપમાન રાજ્યના અન્ય વિસ્તારો જેટલું જ રહ્યું હતું પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. વડોદરામાં 11.8, સુરતમાં 15.4 ડિગ્રી, વલસાડમાં 14 અને દમણમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં 10, ભાવનગરમાં 12.6, દ્વારકામાં 14.9, ઓખામાં 17.3, પોરબંદરમાં 11.4, રાજકોટમાં 10.3, દીવમાં 10.5, સુરેન્દ્રનગર 11.2, વેરાવળમાં 13.6 તો કેશોદમાં 8.8 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ઠંડીનું જોર આવું જ રહેવાની શક્યતા છે. માટે આ પ્રકારે જ તમારા મુસાફરીના નિર્ણયો લેવાનું સૂચન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી સાથે પવનનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હજુ પણ એક સપ્તાહ સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા નથી. શીતલહેરના કારણે પૂર્વોત્તર અને ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો, તો હિમાલયન રેન્જમાં બરફવર્ષા થઈ હતી.પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વહેલી સવારથી ઝાકળના કારણે રસ્તાઓમાં વાહન ચલાવવાનું કપરું બન્યું હતું.