આગાહી@ગુજરાત: આજથી શરૂ થશે ઠંડીનો વધુ એક રાઉન્ડ, નવા વર્ષથી રાજ્યમાં શીતલહેર

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. નવા વર્ષથી રાજ્યભરમાં શીતલહેર ફરી વળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગત રાત્રિએ 12.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક સપ્તાહ બાદ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી વધી ગયો છે. બીજી તરફ અમદાવાદમાં 14.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. જોકે, ગઈકાલે દિવસ દરમિયાન સાધારણ ગરમી-રાત્રે ઠંડીના ચમકારાને પગલે ડબલ સીઝન અનુભવાઇ હતી. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં પારો 14 ડિગ્રીથી વધારે હતો. તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હોય તેમાં નલિયા ઉપરાંત માત્ર ગાંધીનગરનો સમાવેશ થાય છે. રાજકોટમાં ચાર દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 7 ડિગ્રી વધીને 17 થઇ ગયું છે.