ચૂંટણી@ગુજરાત: અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને આપ્યો મોટો સંદેશ, જાણો એક જ ક્લિકે

 
Arvind kejriwal

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, થોડા સમય પહેલા ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓએ જોરદાર આંદોલન કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન ક્યારેય બન્યું નથી કે સરકારી કર્મચારીઓને આ રીતે રસ્તા પર આવવાની ફરજ પડી હોય. સરકારી કર્મચારીઓની એક જ માંગ હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને બતાવી છે. ઘણા કામદારો કામચલાઉ ધોરણે કોન્ટ્રાક્ટ પર કાચા કામદારો તરીકે કામ કરી રહ્યા છે. 

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના વાહનવ્યવહાર વિભાગના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, ગ્રામરક્ષક, વીસી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને ઓછો પગાર મળે છે. હું તમામ કર્મચારીઓને મળ્યો છું અને તેમની સમસ્યાઓ જાણું છું. મારી તમામ કર્મચારીઓને વિનંતી છે કે તમે અમારી સરકાર બનાવો, હું ખાતરી આપું છું કે હું તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. ચૂંટણીને આડે 5 દિવસ બાકી છે, આ 5 દિવસમાં ફોન કરીને કે વોટ્સએપ દ્વારા કે ઘરે ઘરે જઈને વધુને વધુ લોકોને બદલાવ માટે, પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરો.