આગાહી@ગુજરાત: આગાહી પ્રમાણે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું, આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

આગાહી પ્રમાણે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ જે રીતે ઉત્તર તરફથી બરફિલા પવન ફંકાઈ રહ્યા છે તેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે હવામાં ભેજનું પ્રમાણ રહેવાની આગાહી વ્યક્ત કરવાની સાથે હવામાન 5 દિવસ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં ભારે ફેરફાર ન થવાની સંભાવના વચ્ચે 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉત્તરાયણ પછી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જેમાં રાત્રીના સમયમાં તથા વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે.

આ સિવાય દિવસ દરમિયાન ઠંડી પવનોના કારણે વાતાવરણ ઠંડું રહે છે. અમદાવાદમાં આગામી દિવસમાં લઘુત્તમ તપામાન 9-11 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે. જે સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7-8ની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ સાથે હવામાન વિભાગની વેબસાઈટ મુજબ આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. આ સાથે કોઈ વોર્નિંગ પણ આપવામાં આવી રહી નથી. આગામી 3-4 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી. નોંધનીય છે કે આ વખતે શિયાળા દરમિયાન ડિસેમ્બર મહિનામાં શિયાળો હુંફાળો રહ્યા બાદ અંતમાં ઠંડીએ જોર પકડ્યું અને ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત સહિતના રાજ્યો પર થઈ રહી છે.