રિપોર્ટ@ગુજરાત: વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે BJP-કોંગ્રેસ દ્વારા 9 ચાર્ટર્ડ પ્લેન-7 હેલિકોપ્ટર બુક, અંદાજિત 100 કરોડની થશે આ હવાઈયાત્રા

 
Helicopter File Photo

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને આમ આદમી પાર્ટી ટક્કર આપશે. જેને લઇ ભાજપ-કોંગ્રેસ પ્રચાર-પ્રસાર કરવામાં પાછીપાની કરે એવું લાગી રહ્યું નથી. કારણ કે ચૂંટણીના એક મહિના પહેલાં જ ભાજપ અને કોંગ્રેસે અમદાવાદ, મુંબઈ અને દિલ્લીથી 9 ચાર્ટર્ડ વિમાન તથા 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર બુક કર્યાં છે. આ વિમાન અને હેલિકોપ્ટર માટે રાજકીય પક્ષો પ્રતિ કલાકના રૂપિયા 25થી 50 હજાર સુધીનું ભાડું ચૂકવશે. 

એક રિપોર્ટ મુજબ ભાજપે પ્રચાર માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ વિમાન બુક કર્યા છે. અમદાવાદમાં કેટલીક ચાર્ટર્ડ કંપનીઓ પાસે ઓપન કોન્ટ્રાક્ટ કર્યો છે. આજે દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું છે. આ માટે ગાંધીનગર કમલમ ઓફિસ પાછળ એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે.

આ તરફ કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે 1 વિમાન અને 1 હેલિકોપ્ટર બુક કર્યું છે. આમ રાજકીય પાર્ટીઓ હવાઈ પ્રચાર કરવામાં અંદાજે 100 કરોડ રૂપિયાનો ધુમાડો કરશે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીથી ચાર્ટર્ડ લઇને આવે છે. આ પાર્ટી દ્વારા એરપોર્ટ પર અગાઉથી કોઇ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખાયું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 40 સ્ટાર પ્રચારકો ગુજરાતની તમામ વિધાનસભાની બેઠકો ખૂંદી વળશે. ગુજરાતના વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓના નામ સામે આવ્યાં છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ સ્ટાર પ્રચારકની કામગીરી કરશે. જેમાં ફિલ્મ અભિનેતા-નેત્રી અને રાજનીતિ સાથે સંકળાયેલા નેતાઓનું નામ પણ સામેલ છે જેમાં પરેશ રાવલ, હેમા માલિનીના નામ છે.