રિપોર્ટ@ગુજરાત: ચૂંટણી પહેલા ગાંધીનગર બન્યું આંદોલનમય, આ 18 આંદોલન ચાલુ, જાણો એક જ ક્લિકે

 
Andolan  File Photo (Photo Credit Social Media)

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં ચૂંટણી પહેલા હાલ ગાંધીનગરમાં વિવિધ સંગઠોનોના આંદોલન યથાવત્ છે. ગાંધીનગરમાં નિવૃત આર્મી જવાનોનું આંદોલન ચાલી રહ્યું છે. આ ઉપરાંત વનપાલ, આંગણવાડીની મહિલાઓ, આરોગ્ય કર્મચારીઓ, VCE કર્મીઓ, વિદ્યાસહાયકો, આશા વર્કરો બહેનો, વર્ગ 3-4ના કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, મધ્યાન ભોજન કર્મચારીઓનું આંદોલન યથાવત છે. તો કિસાન સંઘ પણ પડતર માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યું છે. આ તમામ આંદોલનના કારણે પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગાંધીનગરમાં હાલ પોલીસ કિલ્લેબંધી કરવામાં આવી છે.  લગભગ સાત જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. CRPFની વધારાની ફોર્સ પણ કામે લગાડવામાં આવી છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
મહત્વનું છે કે,  ગાંધીનગરમાં VCEની હડતાળ યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે VCE કર્મીઓની હડતાળ પણ 12માં દિવસમાં પ્રવેશી છે, પોતાની માગણીઓના ઉલ્લેખ સાથેના બેનર હાથમાં લહેરાવતા વીસીઈ આજે થોડા વધારે આક્રમક દેખાઈ રહ્યા છે.  તમામ વીસીઈ વિકાસ કમિશનરની કચેરીએ પહોંચ્યા છે. આ કર્મચારીઓની માગણીઓનું લિસ્ટ થોડું મોટું છે. જેના પર એક નજર કરીએ તો કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી નિમણૂક, સરકારી લાભો સાથે સમાન કામ સમાન વેતન, પરિવારને આરોગ્ય સુવિધા અને વીમા કવચ, VCEની કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવો, VCEને વર્ગ-3ના દરજ્જાના કર્મચારી ગણવા, ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવું અને નોકરીની સુરક્ષા આપવાની માગ આવી અનેક  પ્રકારની માગણીને લઈને તેઓ છેલ્લાં 12 દિવસથી પાટનગર ગાંધીનગરમાં આંદોલની ધૂણી ધખાવીને બેઠા છે.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના વર્ગ 3-4ના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ ગાંધીનગરમાં દેખાવો કરી રહ્યા છે. નિયમિત ભરતી અને જૂની પેન્શન યોજના, વય નિવૃત્તિની ઉંમર વધારવા સહિતની માંગોને લઈને કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી વન રક્ષકો ગાંધીનગર પહોંચી ગયા છે. જેઓ ભરતી, બઢતી તેમજ નોકરીનો સમય ફિક્સ કરવા સહિત રજા પગારની માંગણી કરી રહ્યાં છે. તદુપરાંત નવા રક્ષક 2800 ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે, જ્યારે વનપાલ 4200 ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે. ગાંધીનગર અરણ્યભવનની બહાર વનપાલકો અને વન રક્ષકો એકઠા થયા છે. પોતાની મુખ્ય 4 માગોને લઈ મહિલા - પુરૂષ કર્મચારીઓનું આંદોલન યથાવત છે. આંદોલનને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે.

આ સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વેને લઈ વિરોધ થઈ રહ્યો છે. ગાંધીનગર, થરાદ સહિતના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ, અમારી ખેતીલાયક જમીન અમે નહીં આપીએ. સરકાર પુરતું વળતર ન આપતી હોવાનો  ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે.  ગાંધીનગરમાં નિવૃત્ત જવાનો પણ પડતર પ્રશ્નોને લઇને વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે, નિવૃત્ત જવાનોએ રવિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેઓની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ નિવળી હતી. માજી સૈનિકો પોતાની 14 માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે. 

જાણો કોણ-કોણ કરી રહ્યું છે આંદોલન

  • માજી સૈનિકોનું આંદોલન, અત્યારે સચિવાલય ગેટ 1 પર બેઠા છે.
  • શિક્ષકોના આંદોલનનું સમાધાન થયું પણ કેટલાક લોકો સમાધાનની વિરુદ્ધમાં છે.
  • રાજ્ય સરકાર કર્મચારી મહામંડળનું પણ સમાધાન થયું પણ કેટલાક લોકો તેની વિરુદ્ધમાં છે. 
  • vce કર્મચારીઓનું આંદોલન.
  • આંગણવાડી બહેનોનું આંદોલન ચાલુ છે.
  • વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન ચાલુ છે.
  • ભારતીય કિસાન સંઘનું આંદોલન ચાલુ છે, તેઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેઠા છે.
  • LRD બિન અનામત ઉમેદવારોનું આંદોલન ચાલુ, તેઓ સત્યાગ્રહ છાવણી બેઠા છે.
  • LRD પુરુષ આંદોલન ચાલુ છે તેઓ માજી સૈનિકોના સમર્થનમાં તેમની સાથે ગેટ નંબર 1 પર બેઠા છે.
  • પોલીસ ગ્રેડ પે મુદે પોલીસ પરિવાર આંદોલન કરી રહ્યા છે, તે પણ માજી સૈનિકો સાથે ગેટ નંબર 1 પર  સમર્થનમાં બેઠા છે.
  • માલધારીઓનું આંદોલન ચાલી રહ્યું છે.
  • સરકારના કર્મચારીઓના પરિવારજનોને રહેમરાહે નોકરી મુદે અલગ આંદોલન ચાલી રહ્યું છે.
  • વર્ગ 3 અને 4ના કર્મચારી પડતર પ્રશ્નોને લઈ આંદોલનમાં જોડાયા છે.
  • મધ્યાન ભોજનના કર્મચારીઓનું આંદોલન.
  • કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન.
  • જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીનું આંદોલન ચાલુ છે.
  • OPDના ડોક્ટરોનું આંદોલન યથાવત છે.
  • વિદ્યાસહાયક ઉમેદવારો ભરતી મુદ્દે  આંદોલન કરી રહ્યા છે.