બિગબ્રેકિંગ@ગુજરાત: જુનિયર ક્લાર્કની ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષાની તારીખમાં ફેરફાર

 
Exam

અટલ સમાચાર, ડેસ્ક

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે 8 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા 29 જાન્યુઆરીએ યોજાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે.

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની 8 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની છે, 29 જાન્યુઆરીએ તલાટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 અને 29 જાન્યુઆરીએ GPSCની પરીક્ષા પણ યોજાવાની છે. એક જ દિવસે પરીક્ષા હોવાથી ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી પરીક્ષાની તારીખ તાત્કાલિક બદલવામાં આવે.