રિપોર્ટ@વડોદરા: CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક ? એક વ્યક્તિની અટકાયત

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની છે. આ મામલો બન્યા બાદ ખળભળાટ મચી ગયો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પંજાબ અને કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પણ ચૂકના કિસ્સા બન્યા હતા.

વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, આમ છતાં તેમના કાર્યક્રમના સ્ટેજ પાસે અચાનક ડ્રોન ઉડતું દેખાતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ મામલે તાત્કાલિક જરુરી કાર્યવાહી કરી છે. શહેરના કમાટીબાગમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન ડ્રોન સાથે એક શખ્સ સ્ટેજ પાસે પહોંચી જતા તેની અટકાયત કરવામાં આવી છે.

આ તરફ હવે એવી પણ વિગતો મળી રહી છે કે, આ શખ્સે પોલીસની મંજૂરી વગર ડ્રોન ઉડાવ્યું હતું. શખ્સની અટકાયત સાથે તેની પાસે રહેલું ડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. હવે આ શખ્સ કોણ હતો અને કોના કહેવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્ટેજ પાસે પહોંચીને ડ્રોન ઉડાવી રહ્યો હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.