બિગબ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા ભાજપને સૌથી મોટો ફટકો, પૂર્વ મંત્રી કોંગ્રેસમાં જોડાયા

 
Jaynayaran vyas

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, હજી ગઈકાલે જ ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારની એક જનસભામાં પહોચીને જયનારાયણ વ્યાસે ટેકો જાહેર કર્યો હતો અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત સાથે બેઠક પણ કરી હતી. મહત્વનું છે કે, જયનારાયાણ વ્યાસ ભાજપ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. 

પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા પર ભાજપના દિગ્ગજ નેતા અને સ્વાસ્થ્ય આરોગ્ય મંત્રી રહી ચુકેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં અચાનક પહોચીને સમર્થન જાહેર કર્યુ હતું. પોતાના સમર્થકોને જ ચંદનજી ઠાકોરને મત આપવા અપીલ કરી છે. ભાજપની નેતાગીરીથી જયનારાયણ વ્યાસ નારાજ હતા. પ્રદેશ ગુજરાતની નારાજગી, કમલમના નેતાઓની નારાજગીને લઇને જયનારાયણ વ્યાસે કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાત કરી હતી અને કોઇ નિકાલ આવ્યો નહતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સિદ્ધપુરના વામૈયા ખાતે જનસભા હતી. આ જનસભામાં અચાનક જયનારાયણ વ્યાસ પહોચ્યા હતા અને તેમણે ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. આ દરમિયાન જયનારાયણ વ્યાસે કહ્યુ કે, હું એમની સાથે છું, આજે સાથે છું, અને કાલથી વધારે સાથે છું. આપણે બધા સાથે રહીને ચંદનજી ભાઇને જીતાડીશુ અને હવે એક જ મતની પાર્ટીનો સહારો લીધો છે. હું તમારા વચ્ચે છુ અને રહીશ, મારે ત્યા આવનારા લોકોને કોઇ તકલીફ નથી પડતી. બધા સાથે રહીશું તો સારૂ થશે, સારૂ કરવુ છે માટે ચંદનજી ભાઇનો હાથ પકડ્યો છે.