હવામાન@ગુજરાત: આ સપ્તાહમાં માવઠા સાથે કડકડતી ઠંડી, બનાસકાંઠા-પાટણ-મહેસાણાને લઈ અંબાલાલની મોટી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આવતીકાલથી ગુજરાત પર ડબલ એટેક જોવા મળશે. આવતીકાલથી હાડકાં ધ્રુજાવી દેતી ઠંડી પડશે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી તીવ્ર ઠંડીનો પ્રકોપ જોવા મળશે. 24, 25, 26 સુધી ગુજરાતમાં સખ્ત ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે. જાન્યુઆરીના જતા-જતા ઠંડી અતિરોદ્ર સ્વરૂપ બતાવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઠંડી સાથે માવઠાનો પણ માર પડશે. કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોળાઇ રહ્યું છે. અંબાલાલે 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
રાજ્યમાં ફરીથી ઠાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં હાલ ત્રણથી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે. આ ઉપરાંત રાજ્યમાં આગામી દિવસોમાં પણ પડનારી ભારે ઠંડીના કારણે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોને સવારની પાળીનો સમય સવારે 8 વાગે કરવા પરિપત્ર જારી કર્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. આ સાથે કોઈ વોર્નિંગ પણ આપવામાં આવી રહી નથી. આગામી 3-4 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે.