લાંચ@ડીસા: બેંકમાં ત્રાટકી એસીબી, બ્રાન્ચ મેનેજરે લોન પાસ કરવા રૂશ્વત માંગતાં રંગેહાથ ઝડપાઇ ગયા

 
Deesa

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ઉત્તર ગુજરાતમાં લાંચની અનેક ઘટનાઓ અને આરોપીઓ જેલ હવાલે જતાં હોવા છતાં કોઈ ડર નથી. નવી સરકાર આવી ગયા બાદ લાંચ ઉપર એસીબીએ મોટી કવાયત શરૂ કરી છે. જેમાં હવે બેંકના કર્મચારી પણ ગરીબ ગ્રાહકો પાસેથી લાંચ લેતાં ઝડપાઇ ગયા છે. ડીસાની ગ્રામીણ બેંકમાંથી સ્વરોજગાર માટે લોન પાસ કરવા મેનેજરે લાંચ માંગી હતી. જાગૃતિ નાગરિક લાંચ આપવા ઈચ્છુક નહિ હોવાથી એસીબીને ફરિયાદ કરતાં મેનેજર ઝડપાઇ ગયા છે.  

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં સ્થાનિક વ્યક્તિ પહોંચ્યા હતા. પશુ નિભાવ લોન માટે રૂપિયા 1,50,000/- લેવા માટે વ્યક્તિએ અરજી કરી હતી. જોકે સ્વરોજગારની આ લોન પાસ કરવા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના બ્રાન્ચ મેનેજર જશવંત બી. દવેએ રૂપિયા 10,000/- ની લાંચની માંગણી કરી હતી. જોકે લોન લેવા ઈચ્છુક વ્યક્તિ લાંચ આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. 

સમગ્ર મામલે પાલનપુર એસીબી પોલીસે ફરીયાદ આધારે લાંચનુ છટકું ગોઠવી બ્રાન્ચ મેનેજર જશવંતને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 10,000/- માંગી સ્વીકારી પકડાઇ ગયા બાદ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનના એન.એ.ચૌધરી અને સુપર વિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ એ.સી.બી. બોર્ડર એકમ ભુજનું માર્ગદર્શન રહ્યું હતું.