ખળભળાટ@ગાંધીધામ: વેપારીઓનો હિસાબ ચકાસતી કચેરીમાં ત્રાટકી સીબીઆઈ, તપાસ શરૂ થતાં જીએસટી અધિકારીઓની ભૂમિકા સવાલોમાં

 
CBI

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પડઘમ વચ્ચે ગાંધીધામમાં સેન્ટ્રલ જીએસટી ભવનની કચેરીમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ) ની ટીમ ત્રાટકતાં ચકચાર મચી હતી. પ્રાથમિક વિગતો મુજબ ઓડિટ વિભાગના અધિક્ષકની તપાસ સંદર્ભે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જે મોડી રાત સુધી બંધ બારણે ચાલતી રહી હતી. જેમાં તપાસનો ધમધમાટ જારી રહ્યો હોઇ સતાવાર વિગતો જારી કરવામાં આવી નથી.

કચ્છના ગાંધીધામના સીજીએસટી ભવનમાં GST વિભાગની ઓડીટ કમિશનરેટ સર્કલની કચેરીમાં બુધવારના મોડી સાંજે સીબીઆઈની ટીમ આવી પહોંચી હતી. વિગતો મુજબ એક સુપ્રીટેન્ડેન્ટ સંલગ્ન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે અહીં નોંધનીય છે કે, અગાઉ પણ આ કેસમાં ચર્ચામાં ઉઠી રહેલું નામ કેટલાક પ્રકરણોમાં લોબીંગ, લાઈઝનીંગની પ્રક્રિયામાં સામેલ રહ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીધામ ચુંટણી ટાણે CBI ની એન્ટ્રીથી અનેક સવાલો ઉભા થયા છે. જોકે તપાસનો વિષય e છે કે સ્થાનિક વ્યક્તિ જ સેંટ્રલ કસ્ટમ વિભાગમાં અલગ અલગ પદો પર સ્થાનિક સ્તરે જ વર્ષોથી કઈ રીતે સ્થાઈ થયેલા છે. મોડી રાત સુધી બંધ દરવાજે ચાલતી તપાસ ક્યાં કેસ સબંધે છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.