ગુજરાત: કિસાન સંઘના પ્રશ્નોને લઈને ચર્ચા કરવા CM ભૂપેન્દ્ર પટેલે હાઈલેવલ કમિટીની કરી રચના

 
Bhupendra Patel

અટલ સમાચાર,ડેસ્ક 

કિસાન સંઘની માંગોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં દેખાઈ રહ્યા છે. કિસાન સંઘની માંગોને લઈને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ બેઠક કરી હતી અને શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં 10 સભ્યો હશે. આ દસ સભ્યોમાં ત્રણ રાજ્ય સરકારના મંત્રીઓ છે, જેમાં જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, ઉર્જામંત્રી કનુ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય કિસાન સંઘના પ્રતિનિધિઓને સમિતિમાં અપાયુ છે સ્થાન. 

ગુજરાત સરકારે બાંહેધરી આપતા આઠમી ઓક્ટોબરે 'કિસાન સંઘ'નું આંદોલન પૂર્ણ થઇ ગયું હતું. મહત્વનું છે કે, કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું. ત્યારે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારે બાંહેધરી આપતા અંતે 'કિસાન સંઘ'નું આંદોલન સમેટાઇ ગયું હતું. 

આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હિતમાં લીધેલા કેટલાક નિર્ણયો પણ જાહેર કર્યા હતા. નોંધનીય છે કે કિસાન સંઘ પોતાની માંગોને લઈને સતત અડગ રહ્યું હતું અને એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે વાતો સ્વીકારવામાં આવશે નહીં તો ચૂંટણીમાં ભોગવવા તૈયાર રહેજો.