ખળભળાટ@પાટણ: લીઝની આડમાં રેતી ચોરીનો કારસો, લીઝમાં નહિવત્ ખનન, અન્ય જગ્યાએ બેફામ ખોદકામ

 
Patan

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રેતીચોરો પણ હવે બુટલેગરો જેવી મોડસ ઓપરેન્ડી કરી ગેરકાયદેસર ખનન કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. જી હા, પાટણ જિલ્લામાં લીઝના ઓથા હેઠળ ગેરકાયદેસર રેતી ચોરીનો કારસો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લીઝ મેળવી ખોદકામ અન્ય જગ્યાએ કરવાનું, જેનાથી રોયલ્ટી બચી જાય અને ગેરકાયદેસર રીતે મફતમાં રેતી મળી જાય, જો રસ્તામાં કોઈ રોકે તો લીઝ હોવાનું બતાવી નિકળી જવાય. હારીજ તાલુકાના ખાખલ નજીક નદી પટમાં બેફામ રેતી ચોરીનો કારસો આજે સિલસિલાબંધ રજૂ કરી રહ્યા છીએ.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ નજીક નદી પટમાં ગત દિવસે ખાણખનીજની ટીમે રેતી ચોરી પકડી હતી. જેમાં પારદર્શક કાર્યવાહીનો પ્રશ્ન ઉઠતાં અન્ય ટીમે આવીને માપણી કરી હોઈ શકે તેવી વાતો ફેલાઇ હતી. જો સાચી માપણી થાય તો રેતીચોરો સપનામાં પણ રેતી ચોરવાનું વિચારે નહિ. આ સાથે સરકારને પણ લાખો કરોડોની વસૂલાત મળી શકે. જોકે એક એવો ઘટસ્ફોટ થયો છે કે, રેતીચોરોએ કોઈની સાથે સાંઠગાંઠ રચી એક મોડસ ઓપરેન્ડી હેઠળ ગેરકાયદેસર ખનન કરવાનો કારસો રચ્યો છે. હા, કાયદેસરની લીઝના ઓથા હેઠળ એટલે કે લીઝની આડમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી રહ્યા છે. જે જગ્યાએ ધુડા પુંજાને લીઝ છે ત્યાં માપણી થાય તો ખૂબ જ ઓછી રેતી કાઢવામાં આવી છે, જ્યારે અન્ય જગ્યાએ બેફામ રીતે રેતી ઉઠાવવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં રેતી લેવામાં આવે છે તો લીઝની જગ્યાએ કેમ 5 ડમ્પર પણ રેતી કાઢી નથી ? આવી સ્થિતિમાં જો ગાંધીનગરથી તાત્કાલિક અસરથી તપાસ થાય તો અનેકની સાઠગાંઠ ખુલે તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાખલ વિસ્તારનો લીઝ ધારક ઈસમ કેટલાક વ્યક્તિઓ સાથે મળીને ખનન કરી રહ્યો છે. આ લીઝધારકની જગ્યાએ જો માપણી થાય અને રેતી ચોરીના આસપાસની જગ્યાએ માપણી થાય તો કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે. આ લીઝ ધારક ઈસમ સ્થાનિક રાજકીય વ્યક્તિના સાથ સહકારથી મોટા પ્રમાણમાં લીઝ સિવાય સ્થળોએથી ખનન કરી કરોડોની કાળી કમાણી કરી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.