રિપોર્ટ@મતદારો: ચાણસ્મા બેઠકની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બનશે, રસાકસી અને ખેંચતાણ કેમ જાણો અહિં

 
Chanshma
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ચાણસ્મા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભલે ગમે તેમ દાવા થતાં હોય પરંતુ એક સ્પેશિયલ અહેવાલ ઉભરી આવ્યો છે કે, આ વખતે જોર ખૂબ રહેવાનું છે. આ જોર કોનું અને કેવીરીતે તે સમજવા અગાઉની ચૂંટણી અને તેના ઉમેદવારોને મળેલ મત આપે હાલનું ચિત્ર જોઈએ એટલે પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે. ગત ચૂંટણીમાં ભાજપ તરફથી દિલીપ ઠાકોર અને કોંગ્રેસ તરફથી રઘુ દેસાઇ હતા જ્યારે દિગ્ગજ સામાજિક રાજકીય આગેવાન દિનેશ ઠાકોર અપક્ષ તરીકે મેદાનમાં હતા. હવે જોવો તમે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાસ દમદાટી બોલાવી શકી નહોતી અને તેવો માહોલ પણ નહોતો. તો આ વખતે કેમ રસપ્રદ અને રોચક છે ચાણસ્મા વિધાનસભા બેઠકની ચૂંટણી તે જાણીએ.
પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક આમ તો વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. આ વખતે પણ ભાજપના દિલીપ ઠાકોર સામે કોંગ્રેસના દિનેશ ઠાકોર છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી વિષ્ણુ પટેલ મેદાનમાં છે. એટલે આ ત્રિપાંખિયો જંગ છે તેમાં કોણ કોના મત કાપશે અને કોણ કેટલા મતો મેળવી જશે તેનો મદાર ચાણસ્મા બેઠકના મતદારો નક્કી કરશે. હવે સમજીએ મતદારોની સંખ્યા અને સામાજીક મિજાજ ઉપર ખેંચતાણ કેવી જામશે. ચાણસ્મા બેઠક ઉપર ઠાકોર, પાટીદાર અને રબારી સમાજ સહિત અને કોમના મતદારો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઠાકોર છે તેથી ઠાકોર સમાજના મતદારો મોટી સંખ્યામાં અંકે કરવા બંને ઉમેદવારો ખેંચતાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ચાણસ્મા શહેર અને ગ્રામ્યમાંથી પાટીદાર મતદારો જો પોતાના તરફી રહે તેમજ અન્ય કોમના મતદારો સાથ આપે તો આમ આદમી પાર્ટીના વિષ્ણુ પટેલ જીતવા ખેંચતાણ કરી રહ્યા છે. એટલે કે ત્રણેય ઉમેદવારોને કલ્પના બહારનો આત્મવિશ્વાસ છે કે, ચાણસ્મા વિધાનસભાની ચૂંટણી પોતે જીતી જ જશે. આ આત્મવિશ્વાસના બળે ત્રણેય ઉમેદવારો માત્ર સામાજિક મતદારો જ નહિ પરંતુ અન્ય કોમના મતદારોને પણ આકર્ષવા તનતોડ મથામણ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી ચૂકેલા દિનેશ ઠાકોર ખૂબ મોટી સંખ્યામાં મતો મેળવી ગયા હતા. એટલે આ વખતે કોંગ્રેસ પક્ષથી ઉમેદવારી કરી હોવાથી અને દિલીપ ઠાકોર‌ને ભાજપે રિપીટ કર્યાની થિયરી સામે જબરજસ્ત ફાઇટ આપવા મેદાનમાં છે. આથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની રસાકસી ખૂબ જ રોચક તો બની જ છે. જોકે પાટીદાર મતો પણ નિર્ણાયક હોવાથી આ બંને ઉમેદવારો આમ આદમી પાર્ટીના વિષ્ણુ પટેલના સામાજિક મતો કાપી પોતાના તરફ કરવા બરોબરનું જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાણસ્મા બેઠકની ચૂંટણીમાં અત્યારથી જ રોજેરોજ કોણ કેવીરીતે મહેનત કરી રહ્યું તેમાં પણ રસપ્રદ માહોલ જામ્યો છે. એટલે કે માત્ર ઠાકોર કે પાટીદારો જ નહિ પરંતુ અન્ય સમાજના મતદારો પણ હુકમનો એક્કો બની કોની ઉપર જીતનો કળશ ઢોળે છે એ પરિણામના દિવસે જ ખ્યાલ આવશે.