રિપોર્ટ@ગ્રામવિકાસ: GLPCના વહીવટથી ચોંક્યા કમિશ્નર, નાણાંકીય વ્યવહારોનો ક્રોસ ચેકીંગનો આદેશ

 
GLPC

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ભલે દાવો કરતી હોય કે, બરાબર અને સરસ મજાનો વહીવટ કરી રહ્યા હોય પરંતુ સત્ય કંઈક અલગ છે. અનેક જિલ્લાઓમાં લાખો કરોડોની ગેરરીતિ અને ઉચાપત થઈ છતાં ચેરમેનને કોઇ જાણ કરી નથી. દાહોદ અને પંચમહાલ જિલ્લામાં કૌભાંડની રજૂઆત અને કેટલાક ખાનગી પત્રવ્યવહાર ધ્યાને આવતાં ચેરમેન કમ કમિશ્નર ચોંકી ગયા હતા. જીએલપીસીની બેઠક બોલાવી સાચાં આંકડા રજૂ કરવા હુકમ કર્યો છે તો વળી આટલું જ નહિ તાત્કાલિક અસરથી ટૂંક જ દિવસમાં બીજી બેઠક બોલાવી દીધી છે. આ સાથે ખેડા આસપાસના જિલ્લાઓમાં પણ વિઝીટ ગોઠવી કમિશ્નરે પારદર્શકતા અને સરકારની યોજનાની તટસ્થ અમલવારી ઉપર વધારે ધ્યાન આપવાની કવાયત હાથ ધરી છે. આવો જાણીએ જીએલપીસી વાળાના કેવા વહીવટથી નારાજ છે કમિશ્નર......

GLPC

ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ કમિશ્નર સોનલ મિશ્રાએ ગત દિવસે લાઇવલીહુડ પ્રમોશન કંપનીની બરોબરની મિટીંગ લીધી હતી. હોદ્દાની રૂએ જીએલપીસીના ચેરમેન એવા સીઆરડી મેડમે તમામ વિગતો મેળવી તેનું ક્રોસ ચેકીંગ કરવા આદેશ કર્યો હતો. જીએલપીસીના અધિકારીઓએ આંકડાકીય વિગતો આપી પરંતુ પૂર્તતા નહિ લાગતાં કમિશ્નરે જરૂરી સુચનાઓ આપી તાત્કાલિક બીજી બેઠક સુધીમાં વધારે પારદર્શક વિગતો રજૂ કરવા હુકમ કર્યો હતો. દાહોદ, પંચમહાલ સહિતના જીલ્લામાં થયેલી/થતી ગેરરીતિ, ઉચાપત, અનિયમિતતા ધ્યાને આવતાં ચેરમેન નારાજ થયા છે. 2.25 કરોડનું કાગળ ઉપરનું કૌભાંડ છતાં જીએલપીસી વાળાએ ચેરમેનને જાણ નથી કરી તે ખૂબ જ ગંભીર બનતાં પંચમહાલ જિલ્લાનો મામલો પણ ગરમાયો છે. આથી કમિશ્નરે તાત્કાલિક અસરથી ખેડા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વિઝીટ કરી સંબંધિત યોજનામાં ચાલતો વહીવટ તપાસવા દોડધામ શરૂ કરી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં મિશન મંગલમ યોજનામાં લાખોનું કૌભાંડ થયું અને પોલીસ ફરિયાદ દાખલ થઇ જ્યારે પંચમહાલ જિલ્લામાં કરોડોની ઉચાપત છતાં 8 મહિનાથી કોઈ કાર્યવાહી નથી. આ વિષય પણ કમિશ્નરને ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી તપાસ કરવા આદેશ કર્યો છે. પંચમહાલ જિલ્લાના આ કૌભાંડમાં જો ફરિયાદ થાય તો મોટા માથાંઓના નામ આવે તેમ હોઇ રાજકીય વગ વાપરી ફરિયાદ થવા દેવાતી નથી. આ તરફ દાહોદ જિલ્લામાં પણ છેલ્લા 2 વર્ષમાં રિવોલ્વિગ ફંડની ગ્રાન્ટ જે સખીમંડળ માટે મંજૂર થઈ હતી તે તમામ સખીમંડળોને આ રિવોલ્વિગ ફંડની ગ્રાન્ટ મળી ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કોઈ એક ઈસમ મોટો વહીવટ કરી ઉઘરાણું કરી ઉચાપત ગેરરીતિ આચરી કૌભાંડને અંજામ આપી રહ્યો છે. જો કમિશ્નર દાહોદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષનો હિસાબ તપાસે તો વધુ એક મોટી ફરિયાદ થાય તેવી સંભાવના છે.