કાર્યવાહી@ગુજરાત: આ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસના ડભોઇ બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ દ્વારા પૈસા વહેંચાતા હોવાનો આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે ગઈકાલે બાલકૃષ્ણ પટેલનો વીડિયો વાયરલ થયો હતો.

વિધાનસભાની ચૂંટણી અગાઉ મતદારોને રૂપિયાની વહેંચણી કરતો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં વડોદરાના ડભોઇ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ એક ખુલ્લી જીપમાં જોવા મળી રહ્યા છે. તેઓ જીપમાંથી લોકોને રૂપિયા આપી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાયલી ગામે પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલે રૂપિયા વહેંચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.