બ્રેકિંગ@ગુજરાત: પ્રથમવાર ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ, યુવકની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમ છતાં ઉત્તરાયણ નજીક આવતા રાજ્યમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ થાય છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીના વેચાણમાં વધારો થયો છે. ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવવામાં આવી રહ્યા છે. આ તરફ રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે.
હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. જેને લઈ અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, પ્રથમ વખત ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ તરફ ઉત્તરાયણ પહેલા વડોદરા જિલ્લા પોલીસે ચાઇનીઝ દોરી વેંચનારા સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લામાંથી ચાઇનીઝ દોરી વેચતા 10 આરોપીઓની ધરપકડ કરી છે. વિગતો મુજબ આરોપીઓ પાસેથી 1.90 લાખની 663 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપાયા છે. જેમાં સાવલી પોલીસે 1 આરોપી પાસેથી 72 નંગ ચાઇનીઝ દોરીની રીલ, વરણામાં પોલીસે 2 આરોપીઓ પાસેથી 90 નંગ ચાઇનીઝ દોરીની રીલ, ડભોઈ અને SOG પોલીસે 5 આરોપીઓ પાસેથી 456 નંગ ચાઇનીઝ દોરીની રીલ અને મંજુસર પોલીસે 1 આરોપી પાસેથી 15 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપી છે.