ચિંતાઃ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, નવા કેસમાં ધરખમ વધારો નોંધાતા ફફડાટ
korona

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના સંક્રમણના 200થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ મોત થયું નથી. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 117 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 26 હજાર 940 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. 

અમદાવાદમાં કોરોનાની સદી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 114 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 26, સુરતમાં 20, રાજકોટમાં 14, જામનગરમાં 7, સુરત ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, ભરૂચમાં 4, ગાંધીનગર જિલ્લામાં 8, વડોદરા ગ્રામ્ય 4, આણંદ 3, મહેસાણા 3, વલસાડ 3, અમદાવાદ ગ્રામ્ય 2, અમરેલી 2, કચ્છમાં 2, મોરબીમાં 2 કેસ સામે આવ્યા છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે. 

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ગુજરાતમાં નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા 1102 પહોંચી ગઈ છે, જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 14 હજાર 892 લોકો સાજા થયા છે. તો કોરોનાથી અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.02 ટકા છે. 

આજે રસીના 85 હજારથી વધુ ડોઝ અપાયા
ગુજરાતમાં આજે કોરોના વેક્સીનના 85 હજાર 738 ડોઝ આપવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 7 લાખ 19 હજાર 403 ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે.