કાર્યક્રમ@મહેસાણા: ઉત્તરાર્ધ મહોત્સવ-2023: સૂર્યમંદિરના પ્રાંગણમાં શિલ્પ સ્થાપત્ય-સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાયો

 
Modhera

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિકન ધરોહર માં નામાંકન પામેલા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનુ સમાપન થયુ છે. આ પ્રસંગે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોઢેરાનુ સૂર્ય મંદિર સુર્યની પુજા સાથે સંકળાયેલ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું સૌ પ્રથમ સૂર્યગ્રામ જાહેર કરી મોઢેરા અને રાજ્યને ગૌરવ આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાને નવો વેગ મળ્યો છે તેમ જણાવી પ્રાચીન સમયમાં ઊર્જાનું મહત્વ શું હતુ તેની સમજ સૂર્યમંદિર આપે છે. 

ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે મંત્રી સહિત મહાનુભાવો તેમજ કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ઉત્તરાર્ધ મહોત્સવ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે. દેશમાં કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે.રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

Modhera

મોઢેરા સૂર્યમંદિર ખાતે સમાપન મહોત્સવના દિવસે આંધપ્રદેશના ડો કે શ્રીવલ્લી દ્વારા કથ્થકલી, અમદાવાદના રાધિકા મારફતીયા દ્વારા કથ્થક, આંધપ્રદેશના ડો જીપદમજી રેડ્ડી દ્વારા કુચિપુડી, દિલ્હીના સુશ્રી જયાપ્રાભામેનન દ્વારા મોહિની અટ્ટમ અને આસામના કુ ડિમ્પી બસૈયા દ્વારા સતરીયા ડાન્સ, અમદાવાદના ગુરૂ સ્મિતા શાસ્ત્રી-શિષ્ય પ્રસીતા સુરાના દ્વારા કુચીપુડી તેમજ અમદાવાદના રાજલ બારોટ દ્વારા ગાયન રજૂ કરાયું હતું. ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે કલાકારોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.

Modhera

મહત્વનું છે કે, મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે. મોઢેરાના સુર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે કલાકારોએ નૃત્ય રજુ કર્યું હતું. આ મહોત્સવનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટી સાથે પારંપારિક અને સાંસ્કૃતિ મહાત્મય છે. ઉત્તરાર્ધ મહોત્સવના અંતિમ દિવસે કલારસીકોએ વિવિધ કૃતિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રસચિવ અશ્વિનીકુમાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના નાયબ સચિવ એસ.કે.હુડા, જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લાના પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓના નિયામક બી.જી.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.