ઘટના@ગુજરાત: કોંગ્રેસના ઉમેદવારને અચાનક આવ્યો હાર્ટ ઍટેક, તાત્કાલિક સ્ટેન્ડ મૂકવું પડ્યું

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતની ચૂંટણી પહેલા ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટેક આવતા તેઓને સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.

મહત્વનું છે કે, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી સામે કોંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે. રેવતસિંહ ગોહિલ કે જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેઓ સમાજમાં આગવું નામ ધરાવે છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા 103માં રેવતસિંહ ગોહિલનું નામ જાહેર થયું છે. રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પરસોતમભાઈ સોલંકી કે જેઓ પાંચ ટર્મથી વિજેતા બની રહ્યાં છે તેમની સામે એક નવા જ ચહેરા તરીકે રેવતસિંહ ગોહિલને કોંગ્રેસે ઘોષિત કર્યા છે.