પ્રચાર@પાટણ: કોંગ્રેસે જ નક્કી કરી લીધું છે કે ભાજપ જીતી જશે, PM મોદીએ જૂની વાતો યાદ કરી શું કહ્યું ?

 
PM Modi In Patan

અટલ સમાચાર,પાટણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે PMએ પાટણમાં જંગી સભાને સંબોધી છે. તેમણે જણાવ્યું હતું કે, જે પાટણમાં મેં મારુ બાળપણ વિતાવ્યું તેનો વિકાસ કરવાની જવાબદારી પણ મારી જ છે તેમણે જણાવ્યું કે, આજે મારે પાટણનો આભાર માનવો છે કેમ કે, જ્યારે પણ આવું છું ત્યારે જૂના બધા જ રેકોર્ડ તોડી નાંખે છે. તેમણે જણાવ્યું કે, મારા માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે પરંતુ તમારા માટે હજુ કાલનો દિવસ છે પરંતુ આ ચૂંટણીમાં ગઈકાલે જે મતદાન થયું છે તે પ્રમાણે કોંગ્રેસે જ નક્કી કરી લીધું છે કે, ભાજપ જીતી જશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ EVM પર માછલા ધોવે ત્યારે સમજી લેવું કે તેમણે ઉંચાળા ભરી લીધા છે તેમણે કહ્યું કે, કોંગ્રેસે આ વખતે મતદાન પતે તે પહેલા જ EVM..EVM ચાલું કરી દીધું છે, કોંગ્રેસની વિશેષતા છે કે, જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો આપવાની અને ચૂંટણી પતે પછી EVM પર માછલા ધોવાના.

આ સાથે પાટણની જૂની યાદો યાદ કરતા કહ્યું કે, પાટણના સોનીવાડો આજે પણ યાદ આવે છે ત્યાં રહેતો હતો અને તેની બાજુમાં સંતોષી માતાનું મંદિર અને સાંજ પડે ત્યારે ચતુર્ભૂજબાગ અને લખોટીવાળી સોડા તેમણે લોકોને પૂછ્યું કે, હવે મળે છે કે નહી અને પાટણ એટલે મેળાઓની ધરતી અહીં એક મેળો પૂરો ન થાય ત્યાં તો બીજો મેળો આવી જાય. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિ એક વખત પાટણમાં રહી જાય તે પાટણને ક્યારે ન ભૂલી શકે અને આ પાટણમાં આવીએ ત્યારે સ્વભાવિક એ બધુ યાદ આવે.