તૈયારી@ગુજરાત: આવતીકાલે રાજ્યના 1621 ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો, સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી

 
Election

અટલ સમાચાર,ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમદાવાદની 21 વિધાનસભા બેઠકો પરના EVM અમદાવાદ ખાતેના 3 કાઉન્ટિંગ સેન્ટરોના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદની 21 વિધાનસભા બેઠકોમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે. 

કઈ બેઠકની મતગણતરી ક્યા થશે?

ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ, નિકોલની બેઠકની આંબાવાડીની પોલીટેક્નિક કૉલેજ ખાતે મતગણતરી 

નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અસારવા બેઠકની ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી

ઘાટલોડિયા, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, અમરાઈવાડી, મણીનગર બેઠકની મતગણતરી L.D એન્જિનિયરીંગ 

સુરતમાં પણ આવતીકાલે મતગણતરી 

સુરતમાં 2 સ્થળોએ 16 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. જેમાં સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણાશે અને બાદમાં EVMના મતોની ગણતરી થશે. વિગતો મુજબ જિલ્લાની મહુવા બેઠકનું પરિણામ સૌથી પહેલા જાહેર થશે. મહુવા બેઠક ઉપર માત્ર ત્રણ જ ઉમેદવાર. આ સાથે લિંબાયત બેઠકનું પરિણામ સૌથી છેલ્લું જાહેર થવાની શક્યતા છે. લિંબાયત બેઠક ઉપર કુલ 44 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વનું છે કે, આવતીકાલે કરંજ, ઉત્તર બેઠક માટે 10 ટેબલ પર મતગણતરી તો ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ 38 ટેબલ પર મતગણતરી છે.