સરાહનિય@ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચ PI સહીત 3 અધિકારી-કર્મચારી DGP ડિસ્ક એવોર્ડથી સન્માનિત

 
Police

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત પોલીસમાં પ્રશનીય કામગીરી કરનાર 110 પોલીસકર્મીઓ અને અધિકારીઓને બિરદાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા DGP Commendation Disc એવોર્ડથી સન્માનિત કરાયા છે. વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહ સાથે ભરૂચ જિલ્લાના ૩ પોલીસકર્મીઓને પણ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 

ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ, ક્રાઇમ બ્રાન્ચના હેડ રાઇટર પ્રદીપ મોંઘે અને સાઇબર ક્રાઇમના કોન્સ્ટેબલ સોહેલ રાજ ઓવોર્ડ મેળવનાર પોલસીકર્મીઓની યાદીમાં સ્થાન પામ્યા છે.રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ 110 પોલીસકર્મીઓ અને અધીકારીઓને સન્માનિત કરાયા હતા.

પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા તરફથી ખાસ પોલીસ ચંદ્રક ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે. સ્વચ્છ સર્વિસ રેકોર્ડ , સાહસ અને વીરતાનું વિશેષ કામ, નવતર અભિગમ જેવા વિવિધ પાસા ને ધ્યાનમાં લઈને તેમને ચંદ્રક એનાયત કરવામાં આવે છે. રાજયમાં કોઈ પણ તહેવાર, બંદોબસ્ત, આંદોલનમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ અધિકારીઓ અને જવાન ખડે પગે ઉભા હોય છે. 

આ ઉપરાંત કુદરતી આફતોના સમયે પણ રાજયની પોલીસ સાહસપુર્વક પ્રશંસનીય કામગીરી કરે છે. રાજ્યની પોલીસની આ ઉત્તમ કામગીરીને બિરદાવવા તેમજ પોલીસનું મનોબળ વધારવા માટે રાજ્યના પોલીસ વડા તરફથી ડીજીપીસ કમેન્ડેશન ડિસ્ક ચંદ્રક આપવાની પહેલ શરૂ કરાઈ છે. ઉમદા કામગીરી, સ્વચ્છ સર્વિસ રેકોર્ડ જેવા પાસાઓ અને કાબેલિયતને ધ્યાનમાં લઈને આ વર્ષે રાજ્યના કુલ ૧૧૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની આ ચંદ્રકના વિજેતા તરીકે પસંદગી કરાઈ છે.

મહત્વનું છે કે, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં PI તરીકે ફરજ બજાવતા ઉત્સવ બારોટે મધ્ય ગુજરાતમાં 5 કરોડની ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્સવ બારોટે ન માત્ર આરોપીઓને ઝડપી પડ્યા પણ ચોરી થયેલ કરોડો રૂપિયાના 100 ટકા મુદ્દામાલની રિકવરી કરી હતી. આ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પ્રદીપ મોંઘેએ સરભાણના રેપ વિથ મર્ડર અને IIFL માં ધોળે દિવસે થયેલી લૂંટના પડકારજનક કેસમાં તપાસ દરમ્યાન પ્રસંશનીય કામગીરી બજાવી હતી.

આ તરફ ભરૂચ સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા સોહેલે છેતરપીંડી થકી અનેક લોકોને ચૂનો ચોપડનાર ગેંગને ઝડપી પાડવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો. ગેંગ એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ખુબ મોટી સંખ્યામાં લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી ચુકી હતી.