દુ:ખદ@ગુજરાત: રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

 
Ilaben Bhatt

અટલ સમાચાર, ડેસ્ક 

રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ઇલાબેન ભટ્ટે આજે  89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઇલાબેન ભટ્ટ કે જેમનો જન્મ 7 સપ્ટેમ્બર 1933માં થયો હતો. તેઓ ગાંધીવાદી વિચારધારાવાળા હતા. તેમજ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સેવા (SEWA) સંસ્થાના સ્થાપક અને રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઇલાબેન ભટ્ટનું આજે નિધન થયું છે. તેઓએ 89 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. મહત્વનું છે કે, ઇલાબેન ભટ્ટ મહિલાઓને સ્વનિર્ભર કરવા માટેની કામગીરી કરતા હતા.

ઇલાબેન ભટ્ટને 1977માં રેમન મેગ્સેસે એવોર્ડ, 1986માં રાઈટ લાઈવલીહુડ પુરસ્કાર તેમજ પદ્મભૂષણ જેવાં પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, તાજેતરમાં જ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
 
કોણ હતા ઇલાબેન ભટ્ટ ?

ઇલાબેન ભટ્ટના કાર્યની જો વાત કરવામાં આવે તો તેઓએ સેવા (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે સ્વરોજગાર મહિલા સંઘથી ઇલાબહેન દ્વારા દેશમાં અનેક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઇ હતી. જેનાથી લાખો મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા તેઓએ અદા કરી હતી.

તેમની માતાનું નામ માતા વનલીલા વ્યાસ અને પિતાનું નામ સુમંતરાય ભટ્ટ હતું. પિતા સુમંતરાય ભટ્ટ એક વકીલ હતા જ્યારે તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેઓની કુલ ત્રણ પુત્રીઓમાંથી ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમાંકે હતાં. હાલમાં તેઓ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. વર્ષ 1956માં તેમના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા હતા.

ઇલાબહેન ભટ્ટને મળેલા પુરસ્કાર

  • 1977માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા.
  • 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો.
  • 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986 માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
  • 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2010માં તેઓને ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે નીવાના શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.