રિપોર્ટ@મહેસાણા: પાલિકાના ચીફ ઓફિસરની કેટલાક વોર્ડમાં ઈરાદાપૂર્વક બેદરકારી? જાહેરમાં ગટરો ઉભરાય છતાં ફેર નહિ

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરની વાતો મોટી અને પડદાં પાછળ સત્ય હકીકત કંઇક અલગ છે. વોર્ડ નંબર 2માં જાહેરમાં ગંદકીએ માઝા મુકી દીધી છે. વાત જાણે એમ છે કે, અહી છેલ્લા ત્રણેક મહિનાથી જાહેર માર્ગો ઉપર ગટરો ઉભરાય છે. નગરપાલિકાનો સ્ટાફ જાણે નાટકીય સ્ટાઇલે મુલાકાતે આવે અને જાય છે પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી. સ્થાનિકો‌ ગંદકીથી તોબા પોકારી ગયા પરંતુ ભાજપની પાલિકા છે ભાઇ એટલે સારી આશામાં બધું ચાલે જાય તેવો ઘાટ છે. 

Mehsana

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવતાં સોમનાથ રોડ, રામનગર સહિતના વિસ્તારમાં ગંદકીના દ્રશ્યો જાહેરમાં સામે આવ્યા છે. અહીં છાશવારે ગટર ઉભરાવવાની ઘટનાઓ સામે આવે પરંતુ આ વખતે તો માઝા મૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાય અને તેના ગંદા પાણી રસ્તા ઉપર રેલમછેલ છે, તો સવાલ એ પણ છે કે, ચીફ ઓફિસર અને પ્રમુખ શું ઈરાદાપૂર્વક આ વિસ્તારમાં બેદરકારી રાખી રહ્યા છે ? સ્થાનિકોના મતે, આ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ નથી આવતો એ દુઃખદ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં-2માં અનેક વાર ગંદકીના દ્રશ્યો સામે આવવા છતાંય પાલિકા આ મામલે કોઈ તાત્કાલિક પગલાં ભરતી નથી. તો વળી સ્થાનિકોના મતે વેરો ભરવા છતાંય આવી ગંદકીમાં રહેવું પડે છે. હાલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ગટર ઉભરાઇ ગયા બાદ હવે આ વિસ્તારમાં લીલ જામી ગઈ છે. તો વળી મહેસાણા પાલિકાના ચીફ ઓફિસર તો જાણે કોઈ મિનિસ્ટર હોય તેવા વહેમમાં ફરતા હોવાની ચર્ચા આ વિસ્તારમાં થઈ રહી છે.