દેવભૂમિ દ્વારકાઃ મારપીટ કરતા અને શંકા રાખતા પતિને ઓશિકાથી મોઢું દબાવી પત્નીએ મોતને ઘાટ ઉતારી દીધા

મકાનમાંથી લાલજીભાઈનો મૃતદેહ મળી આવતા પોલીસે તેને પી.એમ. માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કરતા તેમની હત્યા થઈ હોવાનું અને હત્યા પાછળ તેમના પત્ની જયોત્સનાબેનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.
 
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પત્નીએ જ પતિની હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. સલાયા નજીક આવેલા કોઠા વિસોત્રી  ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. આ વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકાથી શરૂ થયેલી તપાસમાં પોલીસે મૃતકના પત્નીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં એવો ખુલાસો થયો છે કે મહિલાએ અવારનવાર મારપીટ કરતા અને શંકા રાખતા પતિને ઓશિકાથી મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલ કોઠા વિસોત્રી ગામમાં વસવાટ કરતા લાલજીભાઈ રણછોડભાઈ ખવાસ નામના 65 વર્ષના વૃદ્ધ તેમના ઘરમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરાતા સલાયા મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો. મકાનમાંથી લાલજીભાઈનો મૃતદેહ મળી આવતા પોલીસે તેને પી.એમ. માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કરતા તેમની હત્યા થઈ હોવાનું અને હત્યા પાછળ તેમના પત્ની જયોત્સનાબેનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.

મૃતક લાલજીભાઈ સાથે પત્નીનો ઝઘડો થતો રહેતો હોવાનું કેટલાક નિવેદનમાં પોલીસને જાણવા મળ્યું હતું. તેથી પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી હતી. જ્યોત્સનાબેનને પોલીસે અટકાયતમાં લઈ પૂછપરછ કરતા લાલજીભાઈની હત્યાનો ભેદ ખૂલી ગયો હતો. લાલજીભાઈ અવારનવાર પત્ની સાથે બોલાચાલી કરી મારપીટ કરતા હતા અને ચારિત્ર્ય બાબતની શંકા પણ કરતા હતા.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાવના દિવસે રાત્રે ફરીથી બોલાચાલી થતા જયોત્સનાબેને ઉશ્કેરાઈ ગયા હતા અને પતિ પર હુમલો કર્યો હતો. બાદમાં ઓશિકા વડે તેમનું મોઢું દબાવી દીધું હતું અને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પતિની હત્યા બાદ તેને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો અગાઉના ગુનામાં પોલીસ લોકઅપમાં હોય તેને છોડાવવા માટે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. આ દરમિયાન પતિનું કુદરતી મોત થયું હતું.જોકે, પોલીસને આ વાત ગળે ન ઉતરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે મૃતકની પત્ની ઉપર શંકા જતા પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ આ કેસમાં આઈપીસી 302 હેઠળ ગુનો દાખલ કરીને મહિલાની અટકાયત કરી છે.