બ્રેકિંગ@બાયડ: અલ્પેશના ખૂબ નિકટ ધવલસિંહ ટિકીટથી વંચિત રહેતાં સમર્થકો સાથે મંથનમાં લાગ્યા

 
Dhavalsinh

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ

ઠાકોર સેનાના દિગ્ગજ નેતા અને અલ્પેશના ખૂબ નિકટ ગણાતા ધવલસિંહ ઝાલા ભાજપની ટિકીટથી વંચિત રહ્યા છે. જે તે વખતે કોંગ્રેસ પક્ષથી ધારાસભ્ય બનેલા અને અલ્પેશની જેમ ચાલુ ધારાસભ્યે રાજીનામું ધરી ભાજપમાં જોડાયા હતા. જોકે 2022 ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ નહિ મેળવી શકતાં ધવલસિંહ ઝાલાના સમર્થકોને ચોંકાવનારી સ્થિતિ બની છે. આજથી પોતાના મત વિસ્તારમાં બેઠકોનો દોર ધમધમી રહ્યો હોઇ મોટાપાયે મંથન ચાલી રહ્યું છે. ધવલસિંહને ફોન કરતાં તેમના અંગત મદદનિશે જણાવ્યું હતું કે, સમર્થકો જે પ્રમાણે કહેશે તે મુજબ ભવિષ્યની સ્થિતિ નક્કી થશે, હાલ ભાજપમાં છીએ અને ભાજપમાં જ રહીશું. આવો જાણીએ બાયડ મતવિસ્તાર અને ધવલસિંહ ઝાલાની રાજકીય બાબતો.

ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે? આ ઉક્તિ અત્યારે ભાજપ કે કોંગ્રેસની જેને ટિકીટ મળી છે અને ટિકીટ નથી મળી તેવા અનેક વ્યક્તિઓને ચોક્કસ લાગું પડી રહી છે. એક સમય એવો હતો કે, કોંગ્રેસમાં ઠાકોર સેનાના દિગ્ગજોનો ભરપૂર દબદબો હતો પરંતુ અચાનક અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ જતાં બાયડના તત્કાલીન ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ચાલુ ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાઇ ગયા હતા. આ સમયે અલ્પેશ ઠાકોરના એકદમ નજીક ભરતજી કોંગ્રેસમાં યથાવત રહ્યા અને ધારાસભ્ય પદ જાળવવા સફળ રહ્યા. જોકે ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ભાજપે પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરાવતાં બંનેને હાર મળી હતી. જોકે 2022ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ફરીથી ઉમેદવાર બની મેદાનમાં ઝંપલાવશે તેવો જબરજસ્ત વિશ્વાસ હવે પરિણામમાં ફેરવાઇ ગયો છે. ભાજપની ટિકીટ જાહેર થતાં આવેલું પરિણામ જોતાં અલ્પેશ ઠાકોર ટિકીટ મેળવવામાં સફળ તો ધવલસિંહ વંચિત રહ્યા છે. હવે એવું તો શક્ય જ નથી કે ધવલસિંહ ઝાલાને ભાજપની ટિકીટ લેવી જ નહોતી અથવા તો ચૂંટણી લડવી જ નહોતી. તો શું ધવલસિંહ ઝાલાને ઈરાદાપૂર્વક બાયડ વિધાનસભા બેઠકની ટિકિટ નથી આપવામાં આવી ? અથવા તો શું જે તે વખતે કોંગ્રેસની જેમ ભાજપમાં પોતાના એકદમ નિકટ ધવલસિંહ ઝાલાને ટિકીટ અપાવવામાં અલ્પેશ ઠાકોર નિષ્ફળ રહ્યા? અથવા તો શું બાકી રહેલી કેટલીક બેઠકો ઉપર કોઈ એક બેઠકમાં ધવલસિંહ ઝાલા ઉમેદવાર જાહેર થશે ? આ તમામ સવાલો બાયડ વિધાનસભા બેઠક ઉપર ભાજપે ભીખીબેન પરમાર નામના મહિલા ઉમેદવારને ટિકીટ આપ્યા બાદ સવાલો ઉભા થયા છે. આ બાબતે ધવલસિંહ ઝાલાને ફોન કરતાં તેમના મદદનિશે જણાવ્યું હતું કે, આજથી સમર્થકો સાથે મિટીંગ શરૂ કરી છે.

વિશેષમાં ધવલસિંહ ઝાલાના મદદનિશે જણાવ્યું હતું કે, સમર્થકો જે પ્રમાણે કહેશે તે મુજબ ભવિષ્યની સ્થિતિ નક્કી થશે. આજે અમદાવાદ ખાતે સમર્થકો બોલાવતાં હતાં પરંતુ અહિયાં બેઠક કોઈ જઈ શક્યા નથી. હવે આ વાતનો સીધો મતલબ છે કે, ધવલસિંહ ઝાલા હાલની સ્થિતિએ ભાજપની ટિકીટથી વંચિત રહ્યા હોઇ સમર્થકો સાથે ભારે મંથનમાં લાગ્યા છે. હવે આ પરિસ્થિતિ જોઈ બેચરાજી ધારાસભ્ય ભરતજી શું વિચારતા હશે તે વાચકો મિત્રો સમજી શકે છે. જોકે એક વાત સ્પષ્ટ હોઈ શકે, ઠાકોર સેનામાં ભલે ધવલસિંહ ઝાલા અગ્રિમ હોય પરંતુ ભાજપે બાયડ બેઠક ઉપર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું જાહેર કરતાં પહેલાં કોણ કેવી રીતે બાયડ બેઠક ભાજપને અપાવી શકે તે મુદ્દે સંશોધન થયું હશે કે કેમ તે પણ સમજવા જેવું છે.