જાણો@પંચમહાલ: સરકારી ચોપડે તમારા નામે શૌચાલય છે? કેવું છે ? તપાસ કરી અહિ સીધી ફરિયાદ કરી શકો

Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પંચમહાલ જિલ્લામાં હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને પારદર્શક વહીવટ માટે તમામ તાકાત લાગી ગઇ છે. વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 દરમ્યાન થયેલી શૌચાલયની કાર્યવાહી ભયંકર સવાલો ઉભા કરે છે. આ બાબતે હવે પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે મોટી વાત સામે આવી છે. જેમાં તમારા પરિવારના નામે સરકારના ચોપડે શૌચાલયનો ખર્ચ પાડવામાં આવ્યો હોય તો ઓનલાઇન સિસ્ટમથી ખાત્રી કરી શકો, જો ખરેખર બન્યું હોય તો સરકારની સિસ્ટમમાં બતાવે તેવું મનોરમ્ય શૌચાલય છે ? આ બાબતની ખાત્રી કરવી ખુદ તમારા પરિવાર માટે અગત્યની છે. જો તપાસ કરતાં કંઈ અયોગ્ય માલૂમ પડે તે ગ્રામ વિકાસ એજન્સી અથવા જિલ્લા પંચાયત સીધી વાત કરીને ભ્રષ્ટાચારીઓને બહાર લાવી શકો છો. જાણીએ સમગ્ર અહેવાલ......

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીમાં હવે જનતા જાતે તપાસ કરી શકે તેવી વ્યવસ્થા પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વધુ પ્રિય મિશન એવા સ્વચ્છ ભારત અભિયાનમાં પંચમહાલ જિલ્લાનો રિપોર્ટ જોવા જેવો છે. પૂર્વ ડીડીઓ અર્જુનસિંહ વખતે આવેલી શૌચાલયની કરોડોની ગ્રાન્ટ ફાળવણી પ્રક્રિયાએ અનેક ભેદભરમ ઉભા કર્યા છે. ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં કોની સુચનાથી કે કોની ગોઠવણથી ફટાફટ કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા ? આટલું જ નહિ કોઈ એક વ્યક્તિ સંસ્થાને લાભ માટે ભેગાં મળીને ઈચ્છા મુજબ કયા તાલુકામાં કેટલા આપવા ? તે કોણે નક્કી કર્યું હતું? આ સવાલોના જવાબ માટે પંચમહાલ જિલ્લા પંચાયત તો કામે લાગી છે પરંતુ નાગરિકો પોતાની રીતે પણ જોઈ શકે છે. ભારત સરકારે એસબીએમ એટલે કે સ્વચ્છ ભારત મિશનનું ઓનલાઇન પોર્ટલ શરૂ કરેલું છે. સૌપ્રથમ તો તમારા નામે શૌચાલયનો ખર્ચ મંજૂર કરી સહાય આપી દીધી છે કે કેમ ? તેની ખાત્રી કરવી, જો આ ખાત્રી યોગ્ય જણાય તો કઈ સ્થિતિમાં શૌચાલય આપ્યું હતું તે જુઓ અને હયાત શૌચાલય જેવું જ સરકારે આપ્યું હતું? તેની ખાત્રી કરી શકો છો. આ તપાસ કે ખાત્રી તાલુકા પંચાયતથી માંડી જિલ્લા પંચાયત અને ખાસ ગ્રામ વિકાસ એજન્સીએ પહોંચી કરી શકો છો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના ખાસ કરીને જાંબુઘોડા, મોરવા હડફ, હાલોલ અને ઘોઘંબા તાલુકામાં શૌચાલયની ગુણવત્તા શંકાસ્પદ છે. શૌચાલયની ગ્રાન્ટ ગ્રામ પંચાયતને કેવી રીતે મળી શકે? આ સવાલ તલાટી કમ મંત્રીને કરી ધોરણસરના કાગળો જોઈ તપાસી શકવા પણ શૌચાલય લાભાર્થી સક્ષમ છે. આ બાબતે જો યોગ્ય જણાય તો ડીઆરડીએ ડાયરેક્ટર અથવા ડીડીઓ પાસેથી સમય મેળવી રજૂઆત ફરિયાદ કરી શકાય છે. આ તમામ વિષય સાથે એક સવાલ હજુસુધી ઉભો રહ્યો છે કે, ગ્રામ પંચાયતના શૌચાલયની રકમ મેળવી કોને આપી ? રોકડેથી આપી કે ચેકથી આપી ? આ બાબતે ડીડીઓ દિનેશ બારીયા અને ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ઓનલાઇનમાં લાભાર્થીને સહાય અને બેંક સ્ટેટમેન્ટમાં ગ્રામ પંચાયતને ગ્રાન્ટની વાત સાચી છે કે કેમ તેની ખરાઇ કરી રહ્યા છીએ.