બ્રેકિંગ@ગુજરાત: ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર, 20 લાખ રોજગાર, આયુષ્માન ભારતમાં 10 લાખનો લાભ સહિતના અનેક વાયદા

 
BJP

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રધાન્ય આપ્યું છે. 

જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનો

- કૃષિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે

- 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને સિંચાઈ સુવિધાનું વિસ્તરણ કરાશે. સુજલામ-સુફલામ અને સૌની યોજના માટે 25 હજાર કરોડ રૂપિયા

- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 સી-ફૂડ પાર્ક નિર્માણ કરાશે.

- આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતનાં લોકોને 10 લાખ રૂપિયાનું કવર અપાશે

- ત્રણ સિવિલ મેડિસિટી બનાવવામાં આવશે. 

- 20 હજાર સરકારી સ્કૂલના વિકાસ માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે.

- પાંચ વર્ષમાં 20 લાખ રોજગાર અપાશે.

- શ્રમિકોને 2 લાખ રૂપિયાની લોન અપાશે.

- યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે.

- કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવશે.

- ભારત વિરોધી વિચારધારાને સમાપ્ત કરવા માટે કામ કરાશે.

- જાહેર સંપત્તિને અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરાશે તો તેમના સામે એક્શન લેવા માટે કાયદો બનાવામાં આવશે. 

- ગુજરાતને 1 ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે.

- ગુજરાતમાં 1630 કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે. 

- સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવામાં આવશે.

- ગુજરાતની ધરતી પર જ ઓલિમ્પિક્સ થાય તે માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.

- દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે.

- KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, 1 લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે.

- આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે

- વ્હાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે.

- સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે.

- આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરાશે.

- સિવિલ એવિએશનમાં NO.1 આપણું ગુજરાત બનશે, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્યન્વિત કરાશે.

- ₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે 

- ₹1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.

- આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લવાશે. 

- 'પ્રધાનમંત્રી આવાસ યોજના'ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરાશે.

 -PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે. 

- ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરાશે.

- આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

- યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરવામાં આવશે.

- મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 'બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા'ઓ સ્થાપિત કરાશે.

- શ્રમિકોને ₹2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવશે.

- શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ કરાશે.

- ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે.

- સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરાશે.

- મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે ₹1,000 કરોડ ફાળવવામાં આવશે.

વાસ્તવમાં ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ 'અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર 78781 82182 અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે.  

'અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કર્યા બાદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 'પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી 15 દરમિયાન જનતા જનાર્દનના સૂચનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરાશે.' ફોન નંબર, વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે અને સૂચન પેટી દ્વારા પણ લોકોના સૂચન લેવાયા હતા. જોકે, જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરી દવામાં આવ્યું હતું. જેને હવે ગાંધીનગર કમલમ ખાતેથી જાહેર કરી દેવામાં આવ્યું છે.