સ્પેશિયલ@પાટણ: ગુણ કૌભાંડમાં આવતીકાલે યુનિવર્સિટીની કારોબારી ઉપર સૌ કોઈની નજર, સભ્યોની અગ્નિપરીક્ષા ?

 
HNGU

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં ચકચારી એમબીબીએસ ગુણ કૌભાંડ મામલે તપાસો સિવાય હજુ સુધી કંઈ કાર્યવાહી થઈ નથી. એક તરફ રાજ્યની સીઆઈડી તો બીજી તરફ શિક્ષણ સંલગ્ન કમિટીએ તપાસ કરી હતી. આ દરમ્યાન કમિટીનો તપાસ રિપોર્ટ આવી ગયા બાદ એક્શન લેવાની વાત છે પરંતુ સૌથી મોટો સવાલ કે, સિંહને કેમ ક્લચમાં લેવો અથવા લેવો કે નહિ, અથવા કેટલો ક્લચમાં લેવો તે મુદ્દે મોટું મનોમંથન હોઈ શકે છે. યુનિવર્સિટીની કારોબારીના હાથમાં તમામ એ સત્તા છે કે, જેનાથી કુલપતિ નામનાં સિંહની વિરુદ્ધમાં કમિટીના રિપોર્ટ મુજબ ધોરણસરની કાર્યવાહીનો ઓર્ડર છોડી શકે છે. હવે સમજવા જેવી વાત એ પણ છે કે, શિક્ષણ આલમમાં ચાલતી ચર્ચા મુજબ કુલપતિ વોરાનો શનિવારે 7 તારીખે કાર્યકાળ પૂરો થાય છે. આથી શું કારોબારી નિષ્પક્ષ રીતે ગુણ કૌભાંડના જવાબદારો સામે ઓર્ડર છોડશે કે પછી સિંહને રાજા સમજી વચલો રસ્તો શોધશે ? આ બાબતે એમબીબીએસ વિદ્યાર્થીઓનું હિત ઈચ્છુક સૌ કોઈની બાજ નજર છે. આવો જાણીએ આખોય મામલો...

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ મુજબ દર મહિને એકાદ વખત કારોબારી મળતી હોય છે. ગત

30 કારોબારીની મિટિંગ વખતે કુલપતિ જે.જે.વોરા વિરુદ્ધ ગુણ કૌભાંડ મામલે જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. હવે કુલપતિ વોરાએ શું ખુલાસો રજૂ કર્યો કે પોતાના બચાવ માટે શું જવાબ રજૂ કર્યો તે બહાર આવ્યું નથી. આ તરફ 

કુલપતિ જે.જે.વોરાનો કાર્યકાળ 7 જાન્યુઆરી 2023 ના રોજ પૂરો થાય છે. હવે એ મહત્વની વાત સમજી લઈએ કે, ચાલુ કુલપતિ તરીકે કાર્યવાહી થાય તો મોટી વાત ગણાશે પરંતુ જો હોદ્દા પરથી નિવૃત્ત થાય પછી કાર્યવાહીનો ઓર્ડર છૂટે તો ખાસ અસર નહિ થાય. આવા સંજોગોમાં સવાલ એ ઉભો થાય છે કે, શું કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલાં કોઈ ઈરાદાપૂર્વક જે.જે.વોરાએ કારોબારી બોલાવી હશે ? શું કારોબારીમાં વોરા પોતાનો જવાબ રજૂ કરી ક્લીન ચિટ મેળવવા ઈચ્છતા હોય અને કારોબારી સભ્યોને તેમ કરાવવા ઈચ્છતા હોય ? આ ગંભીર સવાલો પ્રબળ આશંકા અને 

શક્યતા ધરાવતાં હોઇ કારોબારી સભ્યોની નિષ્પક્ષતા ઉપર નજર કરાવે છે. કારોબારી સમિતીના સભ્યો પારદર્શક અને કોઈના પણ દબાણમાં આવ્યા વિના ગમે તેવો જાટલીબંધ હોય કે સિંહ જેવી તાકાતવારો હોય તો પણ નિયમાનુસાર પોતાનો હુકમ કે નિર્ણય આપશે ? આ બાબત યુનિવર્સિટીની ચોખ્ખી છબી બાબતે પણ મહત્વની છે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈ એવી શક્તિ જરૂર છે કે, કુલપતિ વોરાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી ગુણ કૌભાંડના જવાબદારો શોધી તેની સામે કાર્યવાહી કરવાની આખી પ્રક્રિયા વિલંબમાં મૂકાવતી રહી છે. કેમ કે, જો રાજ્ય સરકાર ધારે તો ગણતરીના દિવસોમાં ડોક્ટર જેવી મહાન ડિગ્રીની પરિક્ષાના કૌભાંડીઓ શોધી જેલભેગા કરી શકે છે. આપણે હમણાં જ જોયું કે, લઠ્ઠાકાંડમાં એકસાથે અનેક પોલીસ ઓફિસરોને સસ્પેન્ડ કર્યા અનેકની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી, આ એજ સરકાર છે. તો આ એમબીબીએસ ગુણ કૌભાંડમાં કેમ જવાબદારો શોધી શકાતાં નથી ? ભલે ગુણ કૌભાંડ કોણે કર્યું એ શોધવું મુશ્કેલ હોય પરંતુ જેને પોતાની જવાબદારીમાં ઈરાદાપૂર્વક કે બિન ઈરાદાપૂર્વક બેદરકારી નિષ્કાળજી દાખવી છે તેવા તમામ કર્મચારી કે અધિકારી વિરુદ્ધ જવાબદારીના ભાગરૂપે ધોરણસરની કાર્યવાહી વિલંબમાં કેમ ? આ ગંભીર સવાલો યુનિવર્સિટીની આવતીકાલે એટલે કે શુક્રવારે મળનારી કારોબારી સંભવતઃ જણાવી શકે તેવી પારદર્શક રીતે પરિક્ષા આપતાં વિદ્યાર્થીઓને હોય તે સ્વાભાવિક છે.