રિપોર્ટ@ગાંધીનગર: મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન પૂર્ણતાના આરે, જાણો હવે કોને મળી શકે જવાબદારી ?

 
Pankaj Kumar

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેમને ફરી એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં. હાલ સંભવત નવા મુખ્ય સચિવ તરીકે એકથી વધુ નામ ચર્ચામાં છે. જેમાં ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ મોખરે છે. જ્યારે કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા, બી.બી શ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં છે. હવે જોવાનું રહ્યું કે મુખ્ય સચિવનો તાજ કોના શિરે જાય છે. 

હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો G-20ના કારણે 1986ની બેચના IAS ઓફિસર પંકજ કુમારને વધુ એક એક્સટેન્શન મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર અગાઉ 2022માં નિવૃત્ત થયા હતા. પરંતુ રાજ્ય સરકારે 31 જાન્યુઆરી 2023 સુધી તેમને એક્સટેન્શન આપ્યું હતું. 

કોણ છે પંકજ કુમાર? 

06 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમાર મુળ બિહારના પટણાના છે. તેઓ હાલ રાજ્ય સરકારના મુખ્ય સચિવનો પદભાર સંભાળી રહ્યા છે. 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે. પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પ્રભાવિત છે અને પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ છે. સરકાર, અધિકારીઓ તેમજ નેતાઓમાં પંકજ કુમાર નિર્વિવાદિત ઓળખ ધરાવે છે અને રેવન્યુ, આરોગ્ય, નાણા, ગૃહ મહત્વના વિભાગોમાં કરેલી સરાહનીય કામગીરીના કારણે જ પંકજ કુમાર પર ગુજરાતના મુખ્ય સચિવનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.