ખળભળાટ@નર્મદા: સ્વચ્છતામાં કર્યો ભ્રષ્ટાચાર, ટીડીઓ સહિત 14 માણસો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ

 
Narmada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

છેલ્લા 2 દિવસથી સૌથી મોટી કાર્યવાહીની શરૂ થયેલી દોડધામ એક ઠેકાણે પહોંચી ગઈ છે. નર્મદા જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યાની વાત હવે ગરૂડેશ્વર મુકામે પારદર્શક બની ગઈ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળની ગ્રાન્ટમાં શોકપીટ બનાવવાની કામગીરીમાં લાલિયાવાડી થઈ હતી. જેની તપાસ બાદ જે રિપોર્ટ આવ્યો તેના આધારે ડીડીઓના માર્ગદર્શન બાદ ડીઆરડીએ ડાયરેક્ટરે નામજોગ ફરિયાદ નોંધાવી છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ એકબીજાના મેળાપીપણામાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં જોગવાઈ મુજબ શોકપીટ નથી બનાવ્યા અને કેટલાંક સ્થળોએ કાગળ ઉપર શોકપીટ બનાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. કર્મચારીઓ સાથે સ્થાનિક મંડળી અને છેક ઓડિટર સામે પણ ગુનો દાખલ થતાં ભ્રષ્ટાચારનો ભોરિંગ સામે આવ્યો છે.

Narmada

નર્મદા જિલ્લાના તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કોમ્યુનિટી શોકપીટ એટલે કે સામૂહિક શોષકુવા બનાવવામાં આવ્યા હતા. પ્રતિ શોકપીટ સરેરાશ 21 હજારનો ખર્ચ હોઇ દરેક ગામમાં જરૂરિયાત મુજબ બનાવવામાં આવ્યા હતા. આ માટેની કામગીરી પૂર્ણ કરી ખર્ચ પાડી ગ્રાન્ટ ચૂકવી ઓડિટ બાદ ગાંધીનગર સ્થિત ગ્રામ વિકાસ કમિશનરની કચેરીએથી એક ટીમ મુલાકાતે આવી હતી. આ દરમ્યાન અનેક સ્થળે શોકપીટ જોવા મળ્યા નહિ અને ખર્ચ થયેલો જોઈ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે અનેક શોકપીટની ગુણવત્તા અને કામગીરી પણ જોગવાઈ મુજબ નહોતી. આથી સુચના આધારે નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવતાં જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો મળ્યો હતો.

Narmada

તપાસ રિપોર્ટ મુજબ મીઠીવાવ અને નાસરી ગામે બનાવવામાં આવેલ શોકપીટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ આવ્યું હતું. કેટલાક સ્થળે શોકપીટ નહોતા તો વળી કેટલાક સ્થળે પૂરતો ખર્ચ નહિ કરી સરકારનો ખર્ચ પાડી સરેરાશ 2 લાખથી વધુની નાણાંકીય ગેરરીતિ આચરી હતી. સમગ્ર તપાસ આધારે નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીગ્નેશ જાદવે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશને ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. જેમાં તપાસ રિપોર્ટ આધારે જવાબદારી નક્કી/શોધી કરી કુલ વ્યક્તિઓને આરોપી ગણાવ્યા છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયતના ટીડીઓ, એકાઉન્ટન્ટ, એન્જિનિયર, સરપંચો, તલાટીઓ સહિતના સામે ગરૂડેશ્વર પોલીસે આઇપીસી કલમ 406,409,465,466,467,471,477એ અને 120 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Narmada

સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર ગરૂડેશ્વર તાલુકામાં નહિ પરંતુ તમામ તાલુકા પંચાયત હેઠળના ગામોમાં જરૂરિયાત મુજબ શોકપીટ બનાવવામાં આવ્યા છે. તો સવાલ એ ઉભો થાય છે કે, માત્ર ગરૂડેશ્વર તાલુકા પંચાયતના ગામોમાં જ ભ્રષ્ટાચાર થયો છે ? તિલકવાડ, નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં શોકપીટની કામગીરી બરાબર છે ? એ પણ ચર્ચામાં છે કે, તિલકવાડા તાલુકામાં પણ ગેરરીતિની આશંકા છે પરંતુ હજુસુધી કંઈપણ કહેવામાં આવતું નથી. આવી સ્થિતિમાં અન્ય ચાર તાલુકામાં પણ શોકપીટની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

*ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટરની જવાબદારી કેમ ના આવી* ❓

ગરૂડેશ્વર તાલુકા પંચાયતના નાસરી અને મીઠીવાવ ગ્રામ પંચાયતમાં મેળાપીપણામાં ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું અને તેમાં યોજના સંબંધિત અનેક વ્યક્તિઓની જવાબદારી નક્કી કરી કુલ 14 આરોપીઓ શોધવામાં આવ્યા છે. તો હવે સૌથી મોટો સવાલ છે કે, આ કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન શાખાના ડિસ્ટ્રીક્ટ કો- ઓર્ડિનેટરની જવાબદારી કેમ ના બની ? યોજનાની અમલવારીમાં જિલ્લા કક્ષાએ અગત્યની જવાબદારી છતાં ડીસી સામે કેમ સવાલો નથી બનતાં ? આ બાબતે હવે એ પણ બની શકે કે, જો અન્ય તાલુકાઓમાં તપાસ થાય અને પારદર્શક રિપોર્ટ આવે તો અનેક નામો ખુલી શકે તેવી શક્યતા છે.

*આરોપીઓના નામ*

1. આર.એન રાઠવા

ટીડીઓ, ગરૂડેશ્વર

2. ચંદ્રશેખર ભીલ

બ્લોક કો.ઓર્ડિનેટર એસબીએમ

3. સુરેશ વસાવા

ક્લસ્ટર કો.ઓર્ડિનેટર એસબીએમ

4. ડી.પી વસાવા 

એન્જિનિયર એસબીએમ

5. પ્રવિણાબેન તડવી

સરપંચ, સરપંચ નાસરી

6. જયેશ પ્રજાપતિ

નાસરી ગ્રામ પંચાયત

7. અશોક તડવી

ક્લસ્ટર કો.ઓર્ડિનેટર એસબીએમ

8. નરેશ તડવી

એન્જિનિયર એસબીએમ

9. આર.વી ભીલ

સરપંચ મીઠીવાવ ગ્રામ પંચાયત

10. ગિરીશ તડવી

તલાટી મીઠીવાવ ગ્રામ પંચાયત

11. ગુલાબ વસાવા

એકાઉન્ટન્ટ ગરૂડેશ્વર તા.પં

12. પ્રો. ઓડિટર

વેદ એન્ડ કંપની ઓડિટર

13. ધી સાંકળ ઉંડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના હોદ્દેદાર

14. એચઆરકે&કું ના ઓડિટર

તપાસ દરમ્યાન નિકળે તે આરોપી