કાર્યવાહી@પાટણ: વિદ્યાર્થીને તાલિબાની સજા આપનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ

અટલ સમાચાર, પાટણ
પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીને તાલિબાની સજા આપ્યાની ઘટનામાં સજા આપનાર શિક્ષક સામે હવે વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, પાટણની એમ એન હાઇસ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શાળામાં મસ્તી કરતા શિક્ષકે તાલિબાની સજા આપી હતી. જેમાં શિક્ષકે હાઈસ્કૂલના બીજા માળેથી બાળકને લટકાવી માર માર્યો હતો. જોકે હજી શું શાળા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પાટણમાં વિદ્યાર્થીને તાલિબાની સજા આપવા મામલે મયંક પટેલ નામના શિક્ષક વિરુદ્ધ એ.ડિવિઝનમાં પીડિત વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જોકે હાલ પંથકમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે, મયંક પટેલને સજા ક્યારે મળશે? વિદ્યાર્થીને મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? બાળકો મસ્તી નહીં કરે તો કોણ મોટા કરશે? જોકે હજી સુધી મયંક પટેલ સામે શાળા તરફથી પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, તાજેતરમાં બનેલી ઘટનામાં વિદ્યાર્થીને શરીર પર ઈજાના નિશાન ઉપસી આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીને સજા આપ્યા બાદ શિક્ષક ગાયબ જ થઈ ગયું હોય તેવી ચર્ચા થઈ રહી છે, કોઈ એક્શન લેવાય તેના પહેલા જ શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. શિક્ષક સામે કડકમાં કડક સજા થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. શિક્ષકને સજા નહીં મળવા પર પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે કોઈ જ કાર્યવાહી નહીં થતાં હવે પરિવારએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.