ભાવનગરઃ બેકરીમાં આગ લાગતા 3 સિલિન્ડર બ્લાસ્ટ, 2 ફાયર મેન સહિત ચાર લોકો દાઝ્યા
india pak

અટલ સમાચાર, ડેસ્ક


ભાવનગર શહેરમાં મોડી રાત્રે બેકરીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગની ઘટના બની હતી. જો કે, બેકરીમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ કરતા 2 ફાયર મેન સહિત ચાર લોકો દાઝી ગયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગે 5 ટેન્કર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી છે.

ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. રસાલા કેમ્પમાં આવેલી બેકરીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થાનીક લોકો દ્વારા ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આગ લાગતાં બેકરીમાં ઉપયોગમાં લેવાતાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
   અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, આગ વધુ ભડકે એ પૂર્વે ફાયર વિભાગે 10 જેટલા સિલિન્ડર સલામત બહાર કાઢ્યા હતા. બેકરીમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ કરતા 2 ફાયર મેન સહિત ચાર લોકો દાઝી ગયા હતા. ત્યારે આ ચારેય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ આ તમામ લોકોની હાલત સામાન્ય છે. ત્યારે ફાયર વિભાગે 5 ટેન્કર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.